- જીલેશ્વર પાર્કને સાફસફાઈ કરીને ચોખ્ખોચણાક બનાવાયો
- ‘સ્વચ્છતા સંવાદ’માં તહેવારો 'ઝીરો વેસ્ટ' અભિગમથી ઉજવવા અનુરોધ
રાજકોટ,2 ઓક્ટોબર (હિ.સ.) દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 'સ્વચ્છતા હી સેવા-2025 ' અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા ગત 17 સપ્ટેમ્બરથી આગામી 2 ઓક્ટોબર,2025 સુધી 'સ્વચ્છતા હી સેવા પખવાડિયું' ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાની જસદણ નગરપાલિકા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ થકી 'સ્વચ્છોત્સવ'ની ઉજવણી કરવામાં આવી રહી છે.
જસદણ નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા જીલેશ્વર પાર્કમાં સાફસફાઈ કર્યા બાદ કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરીને, તેને ચોખ્ખોચણાક બનાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, સ્વચ્છતા જાળવવામાં મહત્વનો ભાગ ભજવતા સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નાગરિકોએ સ્વચ્છતા અંગે શપથ લીધા હતાં. તેમજ લોકોમાં સ્વચ્છતાનો સંદેશો આપતા સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
વધુમાં, ‘સ્વચ્છતા હી સેવા - 2025 અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સૂકા અને ઘન કચરાનું વર્ગીકરણ કરીને કચરાના નિકાલ અંગે જાગૃત કરવામાં આવ્યા હતાં. તેમજ દિવાળી જેવા તહેવારો 'ઝીરો વેસ્ટ' અભિગમથી ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આમ, જસદણ શહેરમાં સ્વચ્છતાના સંકલ્પ સાથે સ્વચ્છોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ