અમરેલી, 2 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારાસભ્ય કૌશિક વેકારીયા આજે “ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન” ના પ્રેરણાસૂત્રને આગળ વધારતા ખાદી ગ્રામોધ્યોગ કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. તેમણે અહીંથી ખાદીનું વસ્ત્ર ખરીદી કરી સ્થાનિક કારીગરો અને વણકરોને પ્રોત્સાહન આપ્યું.
કૌશિક વેકારીયાએ જણાવ્યું કે ખાદી માત્ર કપડું નથી, પરંતુ દેશની આઝાદીનું પ્રતિક છે. મહાત્મા ગાંધીજીના સ્વદેશી આંદોલનથી શરૂ થયેલી ખાદીની પરંપરા આજે પણ આત્મનિર્ભર ભારતનું પ્રતિક બની રહી છે. સ્થાનિક સ્તરે ખાદી વણનારાઓને સહાય મળે તે માટે વધુ ને વધુ લોકોએ ખાદી વસ્ત્રો પહેરવા જોઈએ.
તેમણે વધુમાં ઉમેર્યું કે આજના સમયમાં ખાદી ફેશનની દુનિયામાં પણ પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. યુવાનો ખાદીને આધુનિક સ્ટાઇલ સાથે જોડે છે, જેના કારણે બજારમાં ખાદીનું સ્થાન વધુ મજબૂત બન્યું છે.
ધારાસભ્યની આ પહેલથી સ્થાનિક સ્તરે ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે અને લોકોને પણ ખાદી ખરીદીને દેશભક્તિ સાથે આત્મનિર્ભર ભારતના અભિયાનમાં જોડાવાનો સંદેશ મળ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai