અમદાવાદ,2 ઓકટોબર (હિ.સ.) નવરાત્રી તહેવાર નોમના દિવસ રાત્રે આખી રાત ગરબા ઘૂમ્યા બાદ પણ થાક્યા વિના અતિ ઉત્સાહિત ગુજરાતી લોકો ફાફડા-જલેબી ખરીદવા ફરસાણની દુકાનો પર ઉમટી પડ્યા છે.ગરબા પૂર્ણ કરી લોકો રાતથી જ ફાફડા-જલેબી જયાફત માણ્યા પછી નવરાત્રી પૂર્ણ થાય છે. આજે વિજયા દશમીના પર્વ પર ગુજરાતીઓ જલેબી-ફાફડાની જ્યાફત માણવા ઉમટી પડ્યા છે. રાજ્યના અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરમાં ફરસાણની દુકાનો પર લોકોની લાંબી લાઇનો લાગી છે.તેમાં પણ સ્વાદપ્રિય સુરતીલાલાઓએ ફાફડા-જલેબીની જ્યાફત માણવા સવારથી જ લાઈનો લગાવી દીધી હતી. શહેરભરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની લાંબી કતારો વહેલી સવારના 5 વાગ્યાથી જ જોવા મળી હતી. એક અંદાજ મુજબ, સુરતીઓ એક જ દિવસમાં 5 કરોડ રૂપિયાથી પણ વધુના ફાફડા અને જલેબી આરોગી જશે.
ગુજરાતીઓની આન, બાન અને શાન સમાન વિશ્વનો સૌથી મોટો ગણાતો નવરાત્રીનો તહેવાર હાલ પૂર્ણ થયા બાદ હવે અસત્ય પર સત્યના વિજયના પ્રતીક તરીકે ઉજવાતો વિજયા દશમીનો તહેવાર આજે ગુજરાતભરમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે એક પડતર દિવસ સહિત કુલ 10 દિવસ ગરબે ઘૂમ્યા બાદ ગુજરાતીઓ હવે ફાફડા-જલેબીની જ્યાફત ઉડાવવા ઉમટી પડ્યા છે. જેથી આજે વહેલી સવારથી જ રાજ્યના મોટા મોટા શહેરમાં ફરસાણની દુકાનો પર લાંબી લાઇનો લાગી જોવા મળી રહી છે.જેને પગલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં ફાફડા-જલેબી ખરીદવા માટે લાઇનો જોવા મળી રહી છે.
ફાફડા જલેબી માટે ફરસાણની દુકાનો પર અમદાવાદીઓની લાઇન જોવા મળી રહી છે.અમદાવાદની તમામ ફરસાણની દુકાનો પર લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. અમદાવાદના પ્રખ્યાત ઓસવાલના ફાફડા જલેબી માટે લોકો વહેલી સવારથી ફાફડા જલેબી ખાવા માટે આતુર દેખાઈ રહ્યા છે. શહેરીજનો આજના દિવસે 3 કરોડથી વધુના 7 ટન ફાફડા-જલેબી ઝાપટી જશે. ત્યારે આ વર્ષે એક કિલો ફાફડાનો ભાવ 1140 રૂપિયા, જ્યારે એક કિલો જલેબીનો ભાવ 1240 રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આટલા મોંઘા ભાવ હોવા છતાં પણ જલેબી-ફાફડા ખરીદી માટે ફરસાણની દુકાન પર અમદાવાદીઓની લાંબી લાઇનો લાગી છે.
ખાસ અમદાવાદ શહેરની વાત કરીએ તો, શહેરનાં વિવિધ વિસ્તારોમાં આજે વહેલી સવારથી ફરસાણની દુકાનો પર લોકોની ભીડ લાગી જોવા મળી રહી છે. આખી રાત ગરબા રમીને આવેલા અમદાવાદીઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને ગરમાગરમ જલેબી-ફાફડા ખરીદી રહ્યા છે.
ગાંધીનગરમાં પણ મુખ્ય માર્ગો અને બજારોમાં પણ દુકાનદારોએ પાર્કિંગની જગ્યા અને અવર-જવરના માર્ગો પર ફાફડા અને જલેબીના સ્ટોલ લગાવી દીધા હતા, જ્યાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ