મહેસાણા, 2 ઓક્ટોબર (હિ.સ.) સમગ્ર ગુજરાતમાં રમતગમતના મહાકુંભ તરીકે ઓળખાતા ખેલ મહાકુંભ 3.0માં મહેસાણા જિલ્લામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યભરના ખેલાડીઓ વચ્ચે થયેલી કઠીન સ્પર્ધામાં મહેસાણાએ સૌથી વધુ મેડલ જીતતા સમગ્ર જિલ્લામાં ગર્વ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો છે.
આ સિદ્ધિ માત્ર મેડલ સુધી સીમિત નથી, પરંતુ દરેક વ્યાયામ શિક્ષક, કોચ તથા ટ્રેનરના અવિરત પરિશ્રમ અને ખંતનો પરિચય છે. સ્થાનિક સ્તરે ખેલાડીઓને તાલીમ આપતા શિક્ષકો અને માર્ગદર્શન આપતા કોચોએ ખેલાડીઓમાં આત્મવિશ્વાસ ભરીને તેમની પ્રતિભાને યોગ્ય દિશામાં આગળ ધપાવી છે. પરિણામે, મહેસાણા જિલ્લામાંથી અનેક ખેલાડીઓએ વિવિધ રમતોમાં પોતાનું શૌર્ય દેખાડ્યું છે.
આ સફળતામાં ખેલાડીઓની મહેનત, માતા-પિતાની પ્રેરણા અને જિલ્લા કક્ષાએ મળેલા માળખાકીય સહયોગનો પણ મહત્ત્વનો ફાળો છે. આ જીત મહેસાણાના યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને ભવિષ્યમાં વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર થવામાં મદદરૂપ બનશે.
ખેલ મહાકુંભ 3.0માં મહેસાણા જિલ્લાનો ચેમ્પિયન તરીકે ઉભરાવાનો આ અવસર ખરેખર સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે સંકલ્પ, પરિશ્રમ અને ટીમ વર્કથી અશક્ય કંઈ નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR