અમરેલી, 2 ઓક્ટોબર (હિ.સ.) સાવરકુંડલા શહેરમાં અવરજવર સુગમ બને અને વરસાદી મોસમમાં નાગરિકોને રાહત મળે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરના બે સ્થળે બોક્સ કલવર્ટ બ્રીજના નિર્માણ માટે કુલ આશરે ₹5 કરોડની મંજુરી આપવામાં આવી છે. મણીનગર રોડ નાવલી નદી ઉપર બ્રીજ બનાવવા માટે ₹3.18 કરોડનો ખર્ચ નિર્ધારિત થયો છે, જ્યારે વોર્ડ નંબર-8 મોમાઈ મંદિર પાસેના બોક્સ કલવર્ટ બ્રીજ માટે ₹1.81 કરોડનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે.
આ યોજનાથી શહેરના નાગરિકોને ખાસ કરીને વરસાદી દિવસોમાં પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે અને વાહનવ્યવહાર સરળ બનશે. લાંબા સમયથી પ્રલંબિત આ માંગણી હવે પૂર્ણ થવાથી સ્થાનિકોમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાવરકુંડલા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આ સહાય બદલ નગરજનો દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. શહેરના વિકાસ માટે સરકાર સતત કાર્યરત છે અને આવનારા સમયમાં વધુ સુવિધાઓ માટે પણ લોકો આશાવાદી છે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સાવરકુંડલાના પરિવહન માળખામાં મહત્વપૂર્ણ સુધારો થશે અને નાગરિકોને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai