પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.)પાટણ શહેરમાં વિજયાદશમી પર્વ નિમિત્તે રાજપૂત સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. દાનસિંહજી રાજપૂત કુમાર છાત્રાલય ખાતે પાટણ શહેર રાજપૂત સમાજ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, શ્રી સિદ્ધરાજ એજ્યુકેશન ટ્રસ્ટ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ દ્વારા મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન યોજાયું હતું, જેમાં શહેરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
આ ઉજવણી અંતર્ગત તલવાર, બંદૂક અને તીર-કામઠા જેવા શસ્ત્રોની વિધિવત પૂજા કરવામાં આવી હતી. પૂજા બાદ ઉપસ્થિત કાર્યકરોએ 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા હતા. બગવાડા દરવાજા પાસે પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શસ્ત્ર પૂજનનું વિશિષ્ટ આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો ઉપરાંત, ભાજપના આગેવાનો તથા અન્ય હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિજ્યોત્સવ હર્ષોલ્લાસ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ