મહેસાણા,2 ઓક્ટોબર (હિ.સ.) દશેરા પર્વના પાવન અવસરે મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર અને અશ્વ પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પોલીસ વિભાગના અધિકારીઓ તથા જવાનો ઉપસ્થિત રહ્યા હતા. દશેરા પર્વને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સત્યના વિજય અને દુષ્ટતા ઉપરના પ્રહારનું પ્રતિક છે. આ પ્રસંગે પોલીસ દળ દ્વારા શસ્ત્ર પૂજન કરીને તેમની ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને નવેસરથી યાદ કરવામાં આવી હતી.
શસ્ત્ર પૂજન દરમિયાન તમામ હથિયારોની પૂજા કરવામાં આવી હતી અને અશ્વ (ઘોડા)નું પણ વિધિવત્ પૂજન થયું હતું. પોલીસ દળ માટે શસ્ત્ર એ માત્ર સુરક્ષા સાધન જ નહીં પરંતુ જનસુરક્ષાનો આધાર છે. તેથી આ પૂજન પાછળનો સંદેશ એ છે કે પોલીસ કર્મચારી હંમેશા જનતાની સેવા અને સુરક્ષા માટે સતર્ક અને સમર્પિત રહેશે.
અશ્વ પૂજન દરમિયાન ઘોડસવાર દળના ઘોડાઓને શણગારવામાં આવ્યા હતા અને તેમને ખાસ ખોરાક અપાયો હતો. પૂજન પછી પોલીસ કર્મચારીઓએ એકતા અને શિસ્ત સાથે પ્રદર્શન પણ કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે દશેરા જેવા પર્વો આપણને ફરજ પ્રત્યે નિષ્ઠાવાન રહેવાની પ્રેરણા આપે છે અને શસ્ત્ર તથા અશ્વ પૂજન એ પરંપરાની સાથે સુરક્ષાના સંકલ્પનો સંદેશ આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR