જામનગરમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગની 30 ઘટના : કોઈ જાનહાનિ નહીં
જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગજનીની 30 ઘટનાઓ બની હતી. જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે સમયસર કાર્યવાહી કરીને તમામ સ્થળોએ આગને કાબુમાં લીધી હતી. સદભાગ્યે, આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ કે
આગની ઘટના


જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગજનીની 30 ઘટનાઓ બની હતી. જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે સમયસર કાર્યવાહી કરીને તમામ સ્થળોએ આગને કાબુમાં લીધી હતી. સદભાગ્યે, આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ કે મોટી નુકસાની થઈ ન હતી.

દિવાળીની રાત્રે સાંજે 6 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આ 30 આગજનીની ઘટનાઓ નોંધાઈ હતી. ફાયર બ્રિગેડનું તંત્ર આખી રાત સતત કાર્યરત રહ્યું હતું અને તમામ સ્થળોએ સમયસર પહોંચી આગને કાબુમાં લીધી હતી.

આગની પ્રથમ ઘટનાનો સંદેશો બેડી બંદર રોડ પર આવેલા તિરુપતિ પાર્ક-1 માંથી મળ્યો હતો, જ્યાં ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. ત્યારબાદ જનતા ફાટક રોડ પર ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. હાપા પાસે મારુતિ સુઝુકી શોરૂમ નજીક એક ઝૂંપડામાં આગ લાગતાં ફાયર તંત્ર તાત્કાલિક દોડતું થયું હતું.

આ ઉપરાંત, દિગ્વિજય પ્લોટ નજીક હિંગળાજ ચોકમાં, જકાતનાકા પાસે કચરામાં, ગુલાબનગરના ખુલ્લા પ્લોટમાં અને હાપા ઉદ્યોગ નગર પાસે ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ લાગી હતી. રાત્રિના સમયે ન્યુ સ્કૂલ પાસેના એક બિલ્ડિંગના ચોથા માળે આવેલા જીમમાં પણ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હતી.

પવનચક્કી ન્યુ જેલ રોડ પર એક ઝાડમાં આગ લાગી હતી, જ્યારે મોરકંડા ઘાર પાસે એક દુકાનમાં આગ લાગી હતી, જેને પણ સમયસર બુઝાવી દેવાઈ હતી. જે.જે. ટાવર પાસે એક મકાનમાં પણ આગ લાગી હતી.

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈની આગેવાની હેઠળ 120 થી વધુ ફાયર જવાનોએ રાતભર એલર્ટ મોડમાં રહીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. તેમની સમયસરની કાર્યવાહીને કારણે કોઈ મોટી જાનહાનિ કે નુકસાની ટળી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande