પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર કંઝર્વેટરી સંસ્થા દ્વારા પોરબંદરના ઐતિહાસિક અને રાજાશાહી વારસાનું પ્રતિક ગણાતા ભવ્ય દરિયા મહેલ,જે આજકાલ આર.જી.ટી. કોલેજ તરીકે ઓળખાય છે, ત્યાં દિવાળીના પાવન અવસરે અવિસ્મરણીય અને કલાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ભગવાન શ્રીવિષ્ણુના ચાર પવિત્ર આયુધો શંખ, ચક્ર, ગદા અને પદ્મને આધારે અંદાજે 50- 50 ફુટની ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી હતી.રંગો, કલાત્મક અભિવ્યક્તિ અને ધાર્મિક પ્રેરણાના સંયોજનથી આ રંગોળીએ રાજમહેલના પ્રાંગણમાં દિવ્યતા અને રાજાશાહી ભવ્યતાનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતુ.શ્રીવિષ્ણુના આ ચાર આયુધો માત્ર દૈવી શક્તિઓના પ્રતીક નથી, પરંતુ જીવનના તત્ત્વજ્ઞાનિક મુલ્યો પણ દર્શાવે છે, શંખ શુદ્ધતા અને જાગૃતિનું પ્રતિક,ચક્ર ન્યાય અને જ્ઞાનનું પ્રતિક,ગદા ધૈર્ય અને સંરક્ષણનું પ્રતિક,પદ્મ શુદ્ધતા અને આત્મજાગૃતિનું પ્રતિક આ ચારેય આયુધો જીવનમાં સમતોલતા, શાંતિ અને ન્યાયના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.દરિયા મહેલના ઝરૂખા, બારમદાં અને આંગણાં ઘણા દીવડાઓથી ઝગમગી ઉઠ્યાં.દીવડાઓના ઝળહળતા પ્રકાશમાં રાજમહેલ જાણે જીવંત થઈ ગયો હોય તેવી દ્રશ્યાવલિ ઉપસ્થિત રહી. રાજમહેલના દરેક ખૂણે પ્રકાશ અને ભક્તિનો મેળાપ અનુભવાતો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya