પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) માંગરોળમાં સમસ્ત કોળી સમાજના યુવા મંડળ દ્વારા તેજસ્વી છાત્રો અને નિવૃત કર્મચારીઓનો સન્માન સમારોહ અનેરા ઉત્સાહ સાથે યોજાયો હતો. માંગરોળ ખાતે છેલ્લા ચોવીસ વર્ષથી સામાજિક, આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જૂનાગઢ જિલ્લામાં અનોખું સ્થાન ધરાવતા માંગરોળ તાલુકા સમસ્ત કોળી સમાજ યુવા મંડળ દ્વારા માંગરોળ ખાતે જેલ રોડ પર આવેલા લોહાણા સમાજમાં વાડી ખાતે તાજેતરમાં સમસ્ત કોળી સમાજના 225 જેટલા વિદ્યાર્થી ભાઇઓ-બહેનો અને 17કર્મચારીઓ તેમજ ચાર નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહનું આયોજ કરવામાં આવ્યું હતું. માંગરોળની કસ્તુરબા સ્કૂલની બાળાઓએ કવિ કરસનદાસ માણેક રચિત 'મારું જીવન અંજલી થાજો' પ્રાર્થના દ્વારા કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં માંગરોળ તાલુકા કોળી સમાજના યુવા મંડળના પ્રમુખ મોહન કરગટિયાએ છેલ્લા 24 વર્ષથી ચાલતા મંડળ દ્વારા વિવિધ દાતાઓના સહયોગ થકી તેજસ્વી છાત્ર સન્માન સહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમોની રૂપરેખા આપીને ઉપસ્થિત મહાનુભાવોને શબ્દ કુમકુમ થી મીઠો આવકાર આપ્યો હતો. માંગરોળ-માળિયા વિસ્તારના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ ચોવીસમાં વિદ્યાર્થી સન્માન સમારંભમાં જૂનાગઢ વિસ્તારનાં સાસંદ રાજેશ ચુડાસમા, તાલુકા પ્રમુખ ભાવેશ ડાભી, દધીચિ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી અરજણ ચારિયા, જૂનાગઢના સમાજ શ્રેષ્ઠી ભરત બાલસ, જાણીતા તબીબી ડો. રવીન્દ્રભાઇ, ડો માલમ, ડો સી.જે બાલસ સહીતના મહાનુભાવોએ દીપ પ્રગટાવી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ અવસરે વિવિધ ક્ષેત્રમાં દીર્ઘ કાલીન સેવા નિવૃત થયેલા કર્મચારીઓને મહાનુભવોના હસ્તે શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે માંગરોળ તાલુકાના સમસ્ત કોળી સમાજના 225, છાત્રો 17 કર્મચારીઓ અને ચાર નિવૃત કર્મચારીઓને વિવિધ દાતાઓ ભાવેશ ડાભી, જેઠાભાઇ ચૂડાસમા, રાહુલ ભરડા, મેણશી ગરેજા સહીતના દાતાઓના સહયોગ થકી મહાનુભાવોના હસ્તે મોમેટો, સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર એનાયત કરી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત આચાર્ય ચિનાભાઇ ગોરડ, શિક્ષક રાજુ બારૈયા, દિલીભાઈ બગીચા, અશોક ભાદરકા, નારણ ડાભીએ સાંભળ્યું હતું. જ્યારે આભાર દર્શન સમાજ શ્રેષ્ઠી કનુભાઇ ભરડાએ કરી હતી. કોળી સમાજના પ્રમુખો, વિવિધ ગામના સરપંચો જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો કોળી સમાજના અગ્રણીઓ મહિલા અગ્રણીઓ, કર્મચારિયો, અધિકારીઓ પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થી ભાઇ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya