જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં લોકોએ દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી. સવારનાં મંદિરોમાં દેવ દર્શનની પરંપરાઓ પછી સાંજનાં સમયે સ્નેહીજનો સાથે લોકોએ ખરીદી - ડિનર વગેરે આયોજનો કરી એકધારા રોજીંદા જીવનની ભાગદોડમાંથી નવજીવનનો રંગ મેળવ્યો હતો. ઘણી જગ્યાએ ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતાં. સાંજ ઢળતા જ ફટાકડાની ગૂંજ આરંભ થઇ ગઇ હતી.
મોડી રાત્રિ સુધી આતશબાજી થઇ હતી. શહેરમાં 30 સ્થળોએ આગ લાગવાની ઘટનાઓ બની હતી પણ ફાયર બ્રિગેડની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. 8 થી 10 માં જ ફટાકડા ફોડવાનાં જાહેરનામાનો અમલ હવામાં ઓગળી ગયો હતો અને લોકોનાં ઉત્સાહને પ્રાધાન્ય આપી પોલીસ તથા તંત્રએ પણ ઢીલુ વલણ દાખવ્યું હતું. એકંદરે દિવાળીની ઉજવણી મધરાત સુધી ધમાકેદાર હોવાની સાથે જ શાંતિપૂર્ણ રહી હતી.
શહેરના ડી.કે.વી. સર્કલ, વિકાસ ગ્રહ રોડ, ચાંદી બજાર સર્કલ, હવાઈ ચોક, રણજીત નગર પટેલ સમાજ ચોક સહિતના અનેક વિસ્તારોમાં નગરજનોએ મન મૂકીને ભવ્ય આતશબાજી કરી હતી. જેનો રંગીન નજારો નિહાળવા માટે પણ અનેક નાગરજનો માર્ગો પર એકત્ર થયેલા જોવા મળ્યા હતા, અને ખૂબ જ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં દિવાળીનું પર્વ મનાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt