મહેસાણા, 21 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જેપુર ગામમાં એક ભયાનક ઘટના સામે આવી છે. ગામના રહેવાસી ગિરધર પટેલે ગેસ ચાલુ કરતા જ ફ્રિજમાંથી અચાનક ધડાકો થયો, જેના કારણે તેઓ અને તેમના પુત્ર મૌલિક પટેલ ગંભીર રીતે દાઝી ગયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ, ઘરમાં ગિરધરભાઈ રસોઈ માટે ગેસ ચાલુ કરી રહ્યા હતા ત્યારે ફ્રિજમાં કોઈ ટેકનિકલ ખામી અથવા ગેસ લીકેજના કારણે વિસ્ફોટ થયો હોવાનું માનવામાં આવે છે. ધડાકાના અવાજથી આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પડોશીઓએ તરત જ દાઝેલા પિતા-પુત્રને બહાર કાઢી તાત્કાલિક વિજાપુર હોસ્પિટલ ખસેડ્યા હતા.સ્થાનિક હોસ્પિટલમાં પ્રથમ સારવાર બાદ, બંનેની સ્થિતિ ગંભીર હોવાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ફ્રિજમાં થયેલા વિસ્ફોટથી ઘરનાં ભાગમાં આગ પણ લાગી હતી, જેને સ્થાનિક લોકોએ સમયસર કાબૂમાં લીધી હતી.ફાયર વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ, ફ્રિજના કમ્પ્રેસરમાં ગેસ એકઠો થઈ જવાથી વિસ્ફોટ થયો હોવાનું અનુમાન છે. ગામમાં આ દુર્ઘટના બાદ શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR