અમરેલી, 21 ઓક્ટોબર (હિ.સ.): રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાનની અસરથી પરેશાન ખેડૂતોને રાહત આપવા માટે 947 કરોડ રૂપિયાના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. SDRF અને રાજ્ય સરકારના હિસ્સા રૂપે આ પેકેજ જાહેર થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
સહકારી આંદોલનના પ્રખ્યાત નેતા અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ આ નિર્ણયને ખેડૂતો માટે મોટો આશીર્વાદ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં કોઈપણ સરકારએ ખેડૂતોના દુખદ સમય દરમિયાન આટલી ઝડપી અને અસરકારક રીતે સહાય ફાળવી નહોતી. ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની આ સરકાર ખરેખર ખેડૂતોની હમદર્દ સરકાર છે.
સંઘાણીએ વધુમાં જણાવ્યું કે, “કોઈપણ પેકેજ જાહેર કરવું એ સરળ નથી. પ્રથમ સર્વે, વિગતવાર ચકાસણી અને બજેટની વ્યવસ્થા બાદ જ નિર્ણય લેવાય છે. આ બધું સરકારની સંવેદનશીલતા અને કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે.” તેમણે જણાવ્યું કે વિરોધ પક્ષના કેટલાક નેતાઓ ખેડૂતોને ઉશ્કેરવાના પ્રયત્નો કરે છે, પરંતુ હકીકતમાં ભાજપની સરકાર જ ખેડૂતોના હિત માટે સતત કાર્યરત છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને સમગ્ર ટીમે ખેડૂતો માટે જે દ્રષ્ટિકોણ દાખવ્યો છે, તે પ્રશંસનીય છે. 18 જિલ્લામાં આવેલા 800 જેટલા ગામોના ખેડૂતોને સીધી મદદ પહોંચાડવાના આ નિર્ણયથી સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai