ફાયર બ્રિગેડની ચુસ્ત કાર્યવાહીથી મોટો અકસ્માત ટળ્યો
મહેસાણા, 21 ઓક્ટોબર (હિ.સ.): પ્રકાશ અને આનંદના પર્વ દિવાળીની રાત્રે મહેસાણા શહેરમાં ફટાકડાની રોશની વચ્ચે આગની ઘટનાઓએ ચિંતાનો માહોલ સર્જી દીધો હતો. શહેરના ત્રણ મુખ્ય વિસ્તારો — રાધનપુર રોડ, સોમનાથ રોડ અને કસ્બા વિસ્તારમાં એક પછી એક કચરાના ઢગલાઓ અને વેરાણ જગ્યાઓ પર ભીષણ આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડાના તણખા અથવા સળગતા અવશેષો કચરામાં પડતા આગ લાગી હોવાનું અનુમાન છે. આગની જ્વાળાઓ રાત્રિના અંધકારમાં દૂરથી સ્પષ્ટ દેખાઈ રહી હતી, જેને કારણે આસપાસના રહેવાસીઓમાં પણ ભયનો માહોલ છવાયો હતો.
આગની જાણ થતાં જ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી ત્રણેય જગ્યાઓ પર આગને કાબૂમાં લીધી હતી. સદભાગ્યે, આ તમામ બનાવોમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
દિવાળીની રાત્રે આવી ઘટનાઓએ નાગરિકોને સાવચેતી રાખવાની યાદ અપાવી છે કે આનંદના તહેવારમાં બેદરકારીનો એક ક્ષણ પણ મોટી દુર્ઘટનામાં ફેરાઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR