સુરત, 21 ઓક્ટોબર (હિ.સ.): પ્રકાશના પર્વ દિવાળીની રાત્રે સુરત શહેરમાં ફટાકડાની આતશબાજી વચ્ચે અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા. ફાયર વિભાગને આખી રાત દરમિયાન કુલ 126 આગના કોલ મળ્યા હતા. સાયરનની ગૂંજ વચ્ચે ફાયર ફાઈટર્સ દિવસ-રાત દોડતા રહ્યા હતા. સદનસીબે તમામ બનાવોમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાની માહિતી સામે આવી છે.
દિવાળીના પર્વ દરમિયાન શહેરના 25 ફાયર સ્ટેશનને 24 કલાક સતર્ક રાખવામાં આવ્યા હતા, જ્યારે ફાયર વિભાગના 1200થી વધુ જવાનો પોતાના પરિવારથી દૂર રહીને નાગરિકોની સુરક્ષા માટે ફરજ બજાવી રહ્યા હતા.
શહેરના મેયર દક્ષેશ માવાણી પણ રાત્રે ફાયર કંટ્રોલ રૂમ પર પહોંચી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. તેમણે કર્મચારીઓની અવિરત સેવાભાવની પ્રશંસા કરી અને અભિનંદન પાઠવ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે