પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના જુદા જુદા 14 વિસ્તારોમાં દીવાળી પર્વે આગના બનાવો બન્યા હતા અને ફાયરબ્રિગેડની ટીમે તેના ઉપર કાબુ મેળવ્યો હતો.પોરબંદરમાં દિવાળીના તહેવાર અનુસંધાને હજારો લોકોએ ફટાકડાની આતશબાજી કરી હતી તેથી આગના અનેક જગ્યાએ બનાવ બન્યા હતા. પોરબંદર ફાયરબ્રિગેડની ટીમે સતત દોડધામ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો પોરબંદર ફાયરબ્રિગેડના અભય મહેતાએ જણાવ્યુ હતુ કે દિવાળીના પર્વ નિમિત્તે છેલ્લા ત્રણ દિવસમાં જ આગના નાના મોટા 14 બનાવ નોંધાયા હતા જેમાં ફાયરબ્રિગેડ વિભાગની સ્ટેન્ડબાય ટીમોએ આ તમામ કોલ એટેન્ડ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પોરબંદરના જલારામ કોલોની પાછળ રેલ્વેટ્રેક પાસે અને અન્ય જાહેર જગ્યાઓમાં ખાસ કરીને મેદાનોમાં અને કચરાના ઢગલામાં ફટાકડાના કારણે આગ લાગી હતી અને પોરબંદર ફાયરબ્રિગેડની ટીમે આ તમામ ઓપરેશન હાથ ધરીને અંદાજે 50 હજાર લીટર પાણીનો મારો ચલાવીને આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો જો કે કોઇ ગંભીર કહી શકાય તેવો આગનો કોઇ બનાવ નોંધાયો નહી હોવાથી તંત્રને પણ રાહત થઇ હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya