સોમનાથ 21 ઓક્ટોબર (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં, અશ્વિન કૃષ્ણ અમાવસ્યા અને દીપાવલીના શુભ પર્વ નિમિત્તે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોને ઓનલાઈન માધ્યમથી વિધિવત ગણેશ-લક્ષ્મી પૂજન, લેખની અને રોજમેળ (એકાઉન્ટ બુક) પૂજન કરાવીને એક અનોખો ધાર્મિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો. આ આયોજન દ્વારા દૂર રહેતા ભક્તોને પણ સોમનાથના પવિત્ર સાનિધ્યમાં લક્ષ્મી પૂજનનો લાભ મળ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અધ્યાત્મ અને આધુનિક તકનીકનો સમન્વય:
છેલ્લા ત્રણ વર્ષથી, સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 'વસુધૈવ કુટુંબકમ્' ના સૂત્ર સાથે, ટ્રસ્ટ ભક્તોને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી ઉત્તમ ધાર્મિક અનુભવ પ્રદાન કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ વિચારને આગળ વધારી, આ વર્ષે પણ દેશભરમાંથી મોટી સંખ્યામાં પરિવારોને ઓનલાઈન જોડીને સોમનાથ મહાદેવના આશીર્વાદ સહ લક્ષ્મી પૂજનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પૂજન માટે અગાઉથી નોંધણી કરાવેલ શ્રદ્ધાળુઓનો સંપર્ક કરીને તેમને સુચારુ રૂપે ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક પૂજનમાં દેશભરમાંથી મોટી માત્રામાં ભક્તો ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર સાથે જોડાયા હતા.
ઓનલાઈન માધ્યમ અને શાસ્ત્રોક્ત પૂજનનો સંગમ:
ઓનલાઈન પૂજનમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યંત્ર, લક્ષ્મી માતા, ગણેશ, રોજમેળ અને લેખનીનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન જોડાયેલા ભાવિકોના રોજમેળ (એકાઉન્ટ બુક)નું સોમનાથ ખાતે પંડિતજી દ્વારા ખાસ પૂજન કરવામાં આવ્યું હતું. પૂજનમાં, સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી કે આવનારું વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ તમામ ભક્તો માટે શુભ ફળદાયી નીવડે અને તેમને સ્થિર તથા શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પૂજા કરેલ રોજમેળ, શ્રી યંત્ર, નમન ભસ્મ, રુદ્રાક્ષ અને બોલપેન સન્માનપૂર્વક ભક્તોના નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવશે.
આધુનિક સમયમાં ધાર્મિક સંસ્કૃતિનું જતન:
આજે આધુનિક સમયમાં બહુમાળી ભવનો અને ઘરોથી દૂર રહેનાર લોકોને દિવાળીની લાગણી અને પૂજા નો લાભ મળે, તેજ રીતે ભારતીય સંસ્કૃતિની દીપાવલી પર લક્ષ્મી પૂજનની પ્રણાલીને આધુનિક સ્વરૂપમાં ભક્તોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ અભિગમ દ્વારા ટ્રસ્ટે પરંપરાગત મૂલ્યોને જાળવી રાખીને ભક્તોને વર્તમાન ટેક્નોલોજી સાથે જોડવાનો સફળ પ્રયાસ કર્યો છે.
શ્રદ્ધાળુઓએ વ્યક્ત કરી કૃતજ્ઞતા:
ઓનલાઈન માધ્યમથી સોમનાથ જ્યોતિર્લિંગના સાનિધ્યે લક્ષ્મી પૂજનનો લાભ મેળવનાર યજમાનોએ ટ્રસ્ટના આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિશ્વવ્યાપી પૂજનના આ અભિગમને ખૂબ વખાણ્યો હતો અને આ ઉત્કૃષ્ટ આયોજન બદલ શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ