જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) : પ્રકાશ અને ઉલ્લાસના મહાપર્વ દિવાળીની સમગ્ર જામનગર શહેરમાં અભૂતપૂર્વ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે દિવાળીનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો.
એક તરફ રાત્રિના સમયે શહેરનું આકાશ રેકોર્ડ બ્રેક ફટાકડા અને રંગબેરંગી આતશબાજીથી ગુંજી ઉઠ્યું હતું, જેણે આકાશમાં અદભુત નજારો સર્જ્યો હતો. તો બીજી તરફ, શહેરના આંગણાઓ અને ફ્લોર અવનવી કલાત્મક રંગોળીઓથી રંગાયા હતા, જેણે દિવાળીની રોનકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
જામનગરમાં દિવાળીની ભવ્ય ઉજવણી વચ્ચે, શહેરના રહેવાસીઓએ કલાત્મકતા પ્રદર્શિત કરી હતી, તો જનપ્રતિનિધિઓએ સેવા અને કરુણાનો સંદેશો પાઠવીને પર્વને સાચા અર્થમાં સાર્થક કર્યું હતું.
શહેરભરમાં દિવાળીની અનેક કલાત્મક અભિવ્યક્તિઓ જોવા મળી, પરંતુ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા લોટસ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ પોતાની સર્જનાત્મકતાથી સૌનું દિલ જીતી લીધું હતું. અહીં એપાર્ટમેન્ટના પહેલા માળે વસતા ફ્લેટ ધારકો, જેમાં મહિલાઓ અને પુરુષો બંને સામેલ હતા, તેઓએ સાથે મળીને એક અદભુત અને વિશાળ રંગોળીનું નિર્માણ કર્યું હતું.
ચાર કલાકથી પણ વધુ સમયની અથાક મહેનત બાદ, નેચરલ ફૂલો અને વિવિધ આકર્ષક કલરોનો ઉપયોગ કરીને ‘યશોદા કા નંદ લાલા’ના મનોહર ગ્રાફિક્સ સાથેની આ રંગોળી તૈયાર કરવામાં આવી હતી.આ કલાકૃતિ એટલી આકર્ષક હતી કે તે માત્ર એપાર્ટમેન્ટ પૂરતી સીમિત ન રહેતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની અને લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt