ગાંધીનગર, 21 ઓક્ટોબર (હિ.સ.): રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ નાગરિકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, નવા વર્ષનું આગમન આપણા જીવનમાં નવી ઊર્જા, નવી ઉમંગ અને નવા સંકલ્પ લઈને આવે છે. આ એ સમય છે, જ્યારે આપણે વીતેલા વર્ષનું આત્મમંથન કરીને નવા વર્ષ માટે ઉત્તમ લક્ષ્યો નક્કી કરીએ.
રાજ્યપાલએ જીવનમાં નૈતિક મૂલ્યો, સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને વધુ મજબૂત બનાવવા સંકલ્પબદ્ધ થવા જણાવ્યું છે.
તેમણે કહ્યું કે, આપણે સંકલ્પ કે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવીશું, તથા પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ કરી પ્રાકૃતિક ખેતી અપનાવીશું.
રાજ્યપાલએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આપણા સર્વના સંયુક્ત પ્રયત્નોથી દેશ નવી ઊંચાઈઓને હાંસલ કરશે અને વિકાસના નવા આયામોને સ્પર્શ કરશે.
તેમણે નવા વર્ષમાં સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌહાર્દના સૂર વધે તેવી કામના વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ