- દિવાળીના પર્વ પર 5389 ઈમરજન્સી કોલ આવ્યા
- સૌથી વધુ રાજકોટમાં 125 જગ્યાએ ફટાકડાના લીધે લાગી આગ
અમદાવાદ, 21 ઓકટોબર (હિ.સ.) : દિવાળીના તહેવાર દરમ્યાન અમદાવાદ, રાજકોટ, સુરત અને ભરૂચમાં દિવાળીના પર્વે આગ અને ઇમરજન્સી કોલ્સમાં વધારો થયો. સરકાર દ્વારા વારંવાર જાહેરાત કરીને ફટાકડા ફોડતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે, છતાં લોકો બેદરકારી પૂર્વક ફટાકડા ફોડે છે.
દિવાળીના પર્વ પર ઇમરજન્સી કોલમાં વધારો થયો છે.
ગત રાતે 5389 ઇમરજન્સી કોલ રીસીવ થયા હતા. સામાન્ય દિવસ કરતાં 565 કૉલ્સ વધુ આવ્યા હતા. જેમાં દાઝી જવાના રાજ્યભરમાંથી 56 કૉલ્સ આવ્યા હતા. જેમાંથી અમદાવાદના 17, સુરતના 9, જામનગરના 5 અને નવસારીમાં 4 કેસ નોંધાયા હતા. રોડ અકસ્માતના સૌથી વધુ 916 કૉલ્સ આવ્યા હતા. જે સામાન્ય દિવસ કરતાં 387 વધુ છે.
ડોકટર્સના મતે ફટાકડા ફોડતા સમયે સાવધાની રાખવી જરૂરી છે. નાના બાળકો ફટાકડા ફોડતા સમયે મોટા લોકોએ સાથે રહેવાની ડોકટરની સલાહ છે. આ સાથે જ ડોક્ટરે જણાવ્યું કે, જ્યાં ફટાકડા ફોડી રહ્યા છો ત્યાં પાણીની ડોલ ભરી રાખવી જોઈએ.
રાજ્યમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગના અનેક બનાવો બન્યા હતા. શહેરમાં 125 જગ્યાઓએ ફટાકડાના કારણે આગ લાગી હતી. તમામ બનાવમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી. આગના બનાવમાં અલગ-અલગ જગ્યાઓએ બે બાઈક અને એક કાર સળગી હતી.
દિવાળી પર અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદના આઇપી મિશન સ્કૂલ પાસે આગનો બનાવ બન્યો હતો. આ ઉપરાંત અમદાવાદના ઝુંડાલ સર્કલ પાસે આગનો બનાવ સામે આવ્યો હતો. ખુલ્લી જગ્યામાં કચરામાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચના નંદેલાવ ગામ પાસે આવેલા ખેતરમાં આગ લાગી હતી. ખેતરમાં આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં નાસભાગ મચી હતી. જ્યારે સ્થાનિકોએ આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે ફાયરની ટીમ દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરતના ઉધના ચંદ્રદીપ સોસાયટીમાં આગનો બનાવ બન્યો હતો. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારતમાં આગ લાગી હતી. પતરાના શેડ નીચે યાર્નના જથ્થામાં આગ લાગી હતી. ત્રીજા માળે લાગેલી આગ બીજા, પહેલા અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પ્રસરી હતી. ફાયર વિભાગે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ