જુનાગઢ, 21 ઓક્ટોબર (હિ.સ.): કેશોદ શહેરમાં ભારત વિકાસ પરિષદે બાળકોમાં રહેલ સ્મિત જાળવી રાખવા 'જુના રમકડે, નવું સ્મિત' નવો જ પ્રકલ્પ રજૂ કરી આર્થિક સારી અને નબળી સ્થિતીમાં પસાર થતાં બાળકોમાં રહેલ દાન અને ખુશી બંને જીવંત રહે તેવા પ્રયાસો કરતાં શહેરમાં દિપાવલીના પર્વ પર એક અનેરી ખુશી જોવા મળી હતી.
જેમાં ભાવિપના કાર્યકરોએ સૌપ્રથમ તેમની પાસે રહેલાં હાથવગા વાહનો લઈ શહેરના જુદા જુદા વિસ્તારની ગલીએ ગલીએ ફરી અને શહેરીજનો પાસેથી તેમના બાળકો જે રમકડા રમી મોટા થયાં હોય અથવા તો બાળકોને નવા રમકડાં અપાવતાં જુના રમકડાં વિસરાઈ ગયાં હોય તેવા 35 જેવી સંખ્યામાં નાની -મોટી સાયકલ, ટેડી બિઅર્સ, બેટ-બોલ, પઝલ ગેમ્સ મળી કુલ 450 રમકડાનું દાન મેળવ્યું હતું. અને આ દાન સ્વરૂપે મેળવાયેલાં રમકડાંને દિવાળીના પ્રકાશ પર્વ પર જરૂરિયાત મંદ બાળકોનું સ્મિત કાયમ રાખવા તેમને ભેટ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવા કેશોદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન ખાતે રમકડાને ક્રમબદ્ધ નંબરઆપવામાં આવ્યાં હતાં અને પો છે તેનો ડ્રો યોજી બાળકોને રમકડા ગિફ્ટ કરવામાં આવ્યાં હતાં આ સમયે ગિફ્ટમાં રમકડા મળતાં જરૂરિયાતમંદ બાળકોમાં ખુશીની એક ઝલક જોવા મળી હતી. ભારત વર્ષમાં દરેક ધાર્મિક પર્વની ઉજવણી કરવા પરિવાર એકમેકને મળી ખુશી વ્યક્ત કરે. જેમાં બાળકોની ખુશી પરિવાર માટે સૌથી વધુ અગત્યની હોય છે, ત્યારે કેશોદ ભાવિપ પ્રમુખ આર. પી સોલંકી, પૂર્વ પ્રમુખ ડો. સ્નેહલ તન્ના, જગમાલભાઈ નંદાણિયા સહિતની ટીમે કોઈપણ જાતના ભેદભાવ વગર બાળકોમાં રહેલ સ્મિત અકબંધ રાખી 'લેવાનો નહીં પરંતુ આપવાનો' અને 'વેંચીને નહીં વહેંચવા' ભાવ પ્રકટ કરી હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમના દર્શન કરાવ્યાં હતાં. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ, પાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, પાલિકા સદસયો હોદેદારો, ભાવિપના કાયૅકરો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ