પાટણ, 21 ઓક્ટોબર (હિ.સ.)દિવાળી પહેલાં પાટણ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરીને લઈને એલ.સી.બી.એ મોટી કાર્યવાહી કરી છે. પાટણ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ટર્બો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ ₹60,34,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને માહિતી મળી હતી કે ડીસાથી પાટણ તરફ એક સફેદ ટર્બો ગાડીમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. એ આધારે પાટણ-ડીસા હાઇવે પર એમ.કે. સ્કૂલ ગેટ નજીક નાકાબંધી ગોઠવી હતી. ટર્બો ગાડીને અટકાવતાં તલાશી દરમિયાન અંદરથી 18,888 બોટલ/ટીન દારૂ મળ્યો, જેની બજાર કિંમત ₹50,29,200 થાય છે.
ગાડીના ડ્રાઈવર કૈલાસકુમાર જગરામારામ બિશ્નોઈ (રહે. જાખલ, તા.સાંચોર, જી.જાલોર, રાજસ્થાન)ને ઝડપીને તેની વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ કલમ 65(એ), 65(ઈ), 116(બી), 81, 83, 98(2) મુજબ ગુનો નોંધાયો છે. પોલીસે ₹10 લાખની ટર્બો ગાડી અને ₹5,000નો મોબાઈલ પણ કબજે કર્યો છે. આ કેસમાં ઝુઝારસિંહ રાજપુરોહીત અને ટર્બો ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ