સુરત, 21 ઓક્ટોબર (હિ.સ.): સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં એક પરિણીત મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ અને છેતરપિંડી કરનાર લાલજી ઉર્ફે અજય કાનાણી વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીનો ગંભીર ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
માહિતી મુજબ, આરોપી લાલજી કાનાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પરિણીત મહિલાની સાથે મિત્રતા કેળવી હતી. વિશ્વાસમાં લેવા માટે તેણે ખોટું જણાવ્યું કે તેની પત્ની ગંભીર રીતે બીમાર છે અને ટૂંક સમયમાં મૃત્યુ પામશે, ત્યાર બાદ તે પીડિતાની સાથે લગ્ન કરશે. આ ખોટા વિશ્વાસમાં આવીને પીડિતાએ ત્રણ વર્ષ દરમિયાન સુરત અને ગોવામાં આવેલી હોટલોમાં અજય સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
પછી અજયે મહિલાને કહ્યું કે જો તે પોતાના પતિને છૂટાછેડા આપશે તો જ તે તેની સાથે લગ્ન કરશે. આરોપીના દબાણ અને ખોટા વિશ્વાસ હેઠળ મહિલાએ પોતાના પતિને છૂટાછેડા આપી દીધા હતા. છૂટાછેડા બાદ લાલજીએ તેને એક વર્ષ સુધી લિવ-ઈનમાં રાખી, પરંતુ બાદમાં લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
આરોપી માત્ર શારીરિક શોષણ પૂરતો જ નહોતો અટક્યો. લાલજીએ પીડિત મહિલાના ડોક્યુમેન્ટ્સ મેળવી તેના નામે GST નંબર મેળવ્યો હતો અને તેના નામે ઓનલાઈન વેપાર શરૂ કર્યો હતો. તપાસમાં ખુલ્યું છે કે તે “અજય કાનાણી” નામની બ્રાન્ડ હેઠળ બ્લૂટૂથ અને બડ્સના નકલી પ્રોડક્ટ્સનું ગેરકાયદેસર વેચાણ કરતો હતો. આ નકલી સામાન તે પીડિતાના એકાઉન્ટમાંથી વેચતો, જેથી કોઈ કાયદાકીય મુશ્કેલી આવે તો મહિલાને ફસાવી શકે.
જ્યારે મહિલાને આખરે છેતરપિંડીની પૂરી હકીકત સમજાઈ, ત્યારે તેણે હિંમત કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને લાલજી ઉર્ફે અજય કાનાણીને ઝડપી લીધો છે.
સુરત પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, છેતરપિંડી અને ગુનાખોરીથી કમાણી કરવાના ગુના હેઠળ કેસ નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે