અમરેલી, 21 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લામાં ખેડૂતો પર ફરી એકવાર આર્થિક સંકટ તૂટી પડ્યું છે. હાલના દિવસોમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતો જઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માર્કેટયાર્ડમાં હાલ ડુંગળીનો ભાવ માત્ર 60 રૂપિયા 20 કિલો સુધી નીચે આવી ગયો છે, એટલે કે પ્રતિ કિલો માત્ર 3 રૂપિયાનો ભાવ મળતો હોવાથી ખેડૂતોના ખર્ચ પણ નીવડતા નથી.
દેવળીયા ગામના બે ખેડૂતો — દિનેશભાઈ ગોબરભાઈ સોલડીયા અને વિશાલભાઈ રાજપૂત — આ પરિસ્થિતિથી નિરાશ થઈ પોતાના ખેતરમાં તૈયાર ડુંગળીમાં રોટાવેટર ફેરવી દીધું. ખેતરમાં તૈયાર પાકને જમીનદોસ્ત કરતા આ ખેડૂતોના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી.
દિનેશભાઈએ જણાવ્યું કે, ડુંગળી વાવેતર માટે અમે ખેતરની તૈયારીથી લઈને ખાતર, પાણી અને મજૂરીમાં હજારો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પણ હાલના બજાર ભાવ મુજબ અમને એના અડધા પૈસા પણ પરત નથી મળતા. એવી જ સ્થિતિ વિશાલભાઈ રાજપૂતની પણ છે. તેમણે કહ્યું કે, પાક લઈને બજારમાં જઈએ તો નફો તો દૂર, પરિવહનનો ખર્ચ પણ નીવડે નહીં. તેથી પાક જમીનદોસ્ત કરવાનો નિર્ણય લીધો.
આ સમગ્ર પરિસ્થિતિએ અમરેલી જિલ્લામાં ખેડૂતોની વેદના ફરી એકવાર ચરમસીમાએ પહોંચી છે. એક બાજુ ભારે મહેનત, મોંઘવારી અને વરસાદની અનિશ્ચિતતા, બીજી બાજુ ઉત્પાદનને યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોને મુશ્કેલીમાં ધકેલી દીધા છે. કૃષિ વિભાગ અને સરકાર તરફથી તાત્કાલિક સહાયની માંગ ઉઠી છે, જેથી ખેડૂતોને રાહત મળી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai