પવિત્ર યાત્રાધામ ડાકોર મંદિરમાં 75 ગામના લોકોએ માત્ર 11 મિનિટમાં 151 મણ અન્નકૂટ લૂંટ્યો
અમદાવાદ,21 ઓકટોબર (હિ.સ.) પવિત્ર યાત્રાધામ ડાકોરમાં જય રણછોડના નાદ સાથે અન્નકૂટને લૂંટવાની પરંપરા મંદિરમાં આશરે 250 ઉપરાંત વર્ષથી એટલે કે હાલના મંદિરના નિર્માણકાળથી આ પરંપરા ચાલે છે.દિવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. જે વર્ષો
પવિત્ર યાત્રાધામ ડાકોર મંદિરમાં 75 ગામના લોકોએ માત્ર 11 મિનિટમાં 151 મણ અન્નકૂટ લૂંટ્યો


અમદાવાદ,21 ઓકટોબર (હિ.સ.) પવિત્ર યાત્રાધામ ડાકોરમાં જય રણછોડના નાદ સાથે અન્નકૂટને લૂંટવાની પરંપરા મંદિરમાં આશરે 250 ઉપરાંત વર્ષથી એટલે કે હાલના મંદિરના નિર્માણકાળથી આ પરંપરા ચાલે છે.દિવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. જે વર્ષોની પરંપરા મુજબ આસપાસના 75 ગામના ક્ષત્રિયોને આ અન્નકૂટ રૂપી પ્રસાદને લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. બપોરે મંદિરના દરવાજા ખોલતાની સાથે જ માત્ર 11 મિનિટમાં જ 151 મણનો આ અન્નકૂટના પ્રસાદને લૂંટવામાં આવ્યો હતો.

જય રણછોડના નાદ સાથે અન્નકૂટને લૂંટવામાં આવે છે. આસપાસના ગામોના ચોક્કસ વર્ગના લોકોને મંદિર પ્રશાસન દ્વારા આમંત્રણ આપવામાં આવે છે અને પરંપરા મુજબ આ અન્નકૂટને લૂંટવામાં આવે છે. આ વખતે 151 મણનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. જેમાં બુંદી, ભાત, મીઠાઈ, ફ્રુટ સહિત મીષ્ટાનની મહાપ્રસાદીનો સમાવેશ કરાયો હતો. બપોરે 12 વાગ્યે અન્નકૂટ પીરસવામાં આવ્યો હતો. જે બાદ બપોરે 2:00 કલાકે મંદિરના દ્વાર ખુલતા જ આ આમંત્રણ કરાયેલા લોકો અન્નકૂટ પર તૂટી પડ્યા હતા. લગભગ 11 મીનીટમાં અન્નકૂટનો તમામ પ્રસાદ લૂંટી લેવામા આવ્યો હતો. આ નજારો જોવા પણ અનેક લોકો મંદિરમાં ઉમટી પડ્યા હતા.

રાજાધિરાજને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

રાજાધિરાજ સન્મુખ ધરાવવામાં આવેલા અન્નકૂટમાં કેસર, ચોખા, બેસન, મોરસ સહિતની સામગ્રીની વિવિધ વાનગીઓ તેમજ શુદ્ધ ઘીની વિવિધ મીઠાઈ ધરાવવામાં આવી હતી. સવારે મંદિરમાં ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો. સવા કિલોનો બુંદીનો લાડુ ટોચે પધરાવી સજાવટ કરવામાં આવી છે. તેના ઉપર ગાયનું શુધ્ધ ઘી લગાવવાંમાં આવ્યું હતું. ત્યારબાદ તુલસીનો હાર ચઢાવી શ્રીજીમહારાજને ભોગ ધરાવવામાં આવ્યો હતો.

આસપાસના વિસ્તારના ખેતરના માલિકો તેમના પાકનો પહેલો ફાલ ભગવાનને ધરાવે છે. તેમાંથી ભાત બનાવી તેનો ડૂંગર બનાવાય છે અને તેને લૂંટવા માટે 75 ગામના લોકોને આમંત્રણ અપાય છે. લૂંટેલો અન્નકૂટ જે લોકો લઈ જાય છે તે પોતાના પરિવારના લોકો, જરૂરિયાતમંદો, પશુઓને ખવડાવે છે. સાથે જ ઘરે પરત ફરતી વખતે બહાર ઉભેલા ભક્તોને પ્રસાદી આપતા હોય છે.

આજે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં અન્નકૂટ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે ગોવર્ધન પૂજા સંપન્ન થયા બાદ, ઘુમ્મટમાં ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું. આ અન્નકૂટમાં, બુંદી, ભાત, સફરજન જેવા ફળો અને જલેબી જેવા પકવાનો સહિત વિવિધ વાનગીઓનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગિરિરાજજી ઉપર ધજાનું આરોહણ પણ કરવામાં આવ્યું હતું. નવા વર્ષના પ્રથમ દિવસે આ પવિત્ર પ્રસાદ ક્ષત્રિય ભાઈ-બહેનોને વિતરણ કરવા માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

કહેવાય છે કે, ભારતમાં બે જ મંદિરોમાં અન્નકૂટ લૂંટવાની પરંપરા છે. જેમાં એક રાજસ્થાનના નાથદ્વારા ખાતે આવેલ મંદિરમાં અને બીજું ગુજરાતમાં આવેલ કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમી એવા ડાકોરમાં આ પ્રથા વર્ષોથી ચાલી આવી છે. આજે મંગળવારે કપૂર આરતી બાદ અન્નકુટ લૂંટવામાં આવ્યો હતો. જેમાં મેળવેલા ભાત સહિત ખાવાની વસ્તુઓને ગામમાં એકબીજાને ત્યાં વહેંચવામા આવે છે. વર્ષનો પ્રથમ ભોગ એટલે અન્નકૂટનો આ નજારો જોવા પણ ભારે પડાપડી થઈ હતી. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે એસપી સહિત ડીવાયએસપી અને પોલીસ અધિકારીઓનો કાફલો ખડે પગે રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande