સુરત, 21 ઓક્ટોબર (હિ.સ.): સુરતમાં નકલી પોલીસ બની લૂંટ ચલાવનાર અને એન્કાઉન્ટરની ધમકી આપનાર સસ્પેન્ડેડ PSI રણજીત કાસલેને મહારાષ્ટ્રમાંથી સુરત પોલીસે ઝડપી લીધો છે. આ મામલો માત્ર લૂંટનો નહીં પરંતુ ભૂતપૂર્વ પોલીસ અધિકારી દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો ગંભીર કિસ્સો છે.
માહિતી મુજબ, રણજીત કાસલે અને તેના સાથીઓએ નકલી પોલીસ બનીને સુજલ અને ભુપેન્દ્રભાઈ નામના દંપતીને રોકી તેમની પાસેના ₹2.25 લાખ રોકડા અને ₹20,000નો મોબાઇલ લૂંટી લીધો. ભુપેન્દ્રભાઈએ વચ્ચે પડવાનો પ્રયત્ન કરતાં રણજીતે તેમને તમાચો મારી તેમનો ₹15,000નો મોબાઇલ પણ છીનવી લીધો. ત્યારબાદ પોતે અડાજણ પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરીને બંનેને કારમાં બેસાડ્યા અને વેસુ તરફ લઈ ગયા. ડુમસ રોડ નજીક IBC બિલ્ડિંગ પાસે ઉતારી, “થોડીવારમાં આવું છું” કહી ફરાર થઈ ગયો.
ભુપેન્દ્રભાઈએ ફોન કરતાં રણજીતે “મેગી ખાવા બેઠો છું” કહી ફોન કાપી નાખ્યો. ત્યાર બાદ શિકાર બનેલા દંપતીએ સમજ્યું કે તેઓ નકલી પોલીસ ગેંગના ભોગ બન્યા છે. વધુમાં, જ્યારે ફરી ફોન કર્યો ત્યારે રણજીતે સ્પષ્ટ ધમકી આપી કે “કોઈને કઈ કહેશો તો એન્કાઉન્ટર કરી નાખીશું”. આ ધમકીથી ભયભીત બનેલા દંપતીએ શરૂઆતમાં ફરિયાદ નોંધાવી નહોતી, પરંતુ બાદમાં હિંમત કરીને પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
આ મામલે પોલીસને મળેલા કાફેના CCTV ફૂટેજમાં રણજીતની લૂંટ અને ધમકી આપતા દ્રશ્યો સ્પષ્ટ દેખાયા હતા. આ પુરાવાના આધારે સુરત પોલીસે તકેદારીપૂર્વક કાર્યવાહી કરીને તેને મહારાષ્ટ્રમાંથી ઝડપી લીધો.
રણજીત કાસલે અગાઉ PSI તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ એપ્રિલ 2025માં અનેક વિવાદોને કારણે સસ્પેન્ડ અને પછી બરતરફ કરવામાં આવ્યો હતો. તેના પર લૂંટ, છેતરપિંડી, ઈવીએમ કૌભાંડ અને સરપંચ હત્યા કેસમાં એન્કાઉન્ટર યોજનાની ઓફર સ્વીકારવાના આરોપો લાગેલા છે.
સુરત પોલીસે જણાવ્યું કે આ મામલે રણજીત સહિત છ આરોપીઓ સામે લૂંટ, ધમકી અને છેતરપિંડીના ગુના હેઠળ કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે