એસ.પી. હિમાંશુ સોલંકી દ્વારા 171 વીર શહીદોને નમન
મહેસાણા, 21 ઓક્ટોબર (હિ.સ.) : આજરોજ સમગ્ર દેશમાં પોલીસ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે મહેસાણા પોલીસ ગ્રાઉન્ડ ખાતે આવેલ શહીદ સ્મારક પર ભાવપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો. મહેસાણા જિલ્લાના પોલીસ અધિકારી, કર્મચારીઓ તેમજ શહેરજનોની હાજરી વચ્ચે મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ ભારતભરના 171 વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી, તેમની શૌર્યગાથા ને નમન કર્યું.
કાર્યક્રમ દરમિયાન શહીદોને યાદ કરીને પોલીસ બૅન્ડ દ્વારા શોકધ્વનિ આપવામાં આવી, ત્યારબાદ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. એસ.પી. હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે, “આ દિવસ આપણને એ યાદ અપાવે છે કે દેશની આંતરિક સુરક્ષા માટે અનેક પોલીસકર્મીઓએ પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું છે. તેમની બહાદુરી અને બલિદાન દેશના દરેક નાગરિક માટે પ્રેરણારૂપ છે.”
મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન વિવિધ પોલીસ અધિકારીઓ, જવાનો અને એન.સી.સી.ના કેડેટ્સ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ શહીદ પોલીસકર્મીઓના પરિવારજનોને માનપૂર્વક યાદ કરીને તેમની ત્યાગભાવનાને સલામ આપવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR