જૂનાગઢ, 21 ઓકટોબર (હિ.સ.): દિવાળીની રાત્રે, રાજધાની દિલ્હી સહિત દેશભરના શહેરોમાં લોકો મોટી સંખ્યામાં ફટાકડા ફોડે છે. પ્રકાશના પર્વ દિવાળીની રાત્રિ જૂનાગઢમાં ફટાકડા ફોડવાની ના કહેવા રક્તરંજિત બની.
જૂનાગઢના મધુરમ રોડ પર મોડીરાત્રે ફટાકડા ફોડવાની ના કહેવા બદલ અમૂલ એપાર્ટમેન્ટ નજીક 28 વર્ષીય યુવક દિવ્યેશ ચૂડાસમા પર એક મહિલા સહિત ત્રણથી વધુ લોકોએ પાઇપ, ધોકા અને લાકડીના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા યુવકનું હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ રસ્તામાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટના બન્યાની ગણતરીની મિનિટોમાં જ એક મહિલા સહિત ત્રણ શકમંદની ધરપકડ કરી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. આ હત્યાના કારણે અગાઉ ભાઈને ગુમાવી ચૂકેલા અને પિતાનું નિધન થતાં એકલા રહેતા દિવ્યેશનાં વૃદ્ધ માતા પર આભ ફાટી પડ્યું છે.
મોડી રાત્રે મધુરમ વિસ્તાર નજીક રોડની બંને બાજુએ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ સમયે અમુલ એપાર્ટમેન્ટ નજીક ફટાકડા ફોડવાની બાબતે 28 વર્ષીય દિવ્યેશ ચુડાસમાની અમુલ એપાર્ટમેન્ટમાં રહેતા વ્યક્તિ વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા એક મહિલા સહિત ત્રણથી વધુ લોકોએ દિવ્યેશ પર લાકડી, પાઇપ અને ધોકા વડે અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલામાં મૃતક દિવ્યેશનો મિત્ર નિશિત રાહુલભાઈ વાઘેલા નામનો યુવક પણ ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતકના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા લાગવાથી તે લોહીલુહાણ થયો હતો.
મધુરમ વિસ્તારમાં બનેલી આ હત્યાની ગંભીર ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ સી-ડિવિઝન પોલીસના ડીવાય એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો. પોલીસે જે સ્થળે આ ઘટના બની હતી. તેની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી અને સ્થાનિકોની પૂછપરછના આધારે ગણતરીની મિનિટોમાં જ આ ગુનાને અંજામ આપનાર એક મહિલા સહિતના ત્રણ શકમંદોની ધરપકડ કરી હતી. ત્રણેય શકમંદોને સી-ડિવિઝન પોલીસ મથકે વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ