સુરત, 22 ઓક્ટોબર (હિ.સ.) નૂતન વર્ષ સંવત 2082ના શુભ પ્રારંભે સુરતના અડાજણ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજાન થયું. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં 1300થી વધુ વિવિધ વાનગીઓની મનોહર થાળ ધરાવી ભક્તિભાવપૂર્વક અર્પણ કરવામાં આવી. મંદિરમાં સવારથી જ ભક્તોના દર્શન માટે ઉમટેલા જનસાગર વચ્ચે દિવ્ય આનંદનું વાતાવરણ છવાયું હતું.
અન્નકૂટોત્સવની તૈયારીમાં હજારો સ્વયંસેવકો જોડાયા હતા, જેમણે શ્રદ્ધા અને સમર્પણથી વાનગીઓની સુશોભિત ગોઠવણી કરી. સંતો અને સુરતના અગ્રણી મહાનુભાવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ આરતી ઉતારતા મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજાઈ ઉઠ્યું.
આ દિવસે 45 હજારથી વધુ ભક્તોએ દર્શન કરી નવા વર્ષનો પાવન આરંભ કર્યો. મંદિર પ્રશાસન અને સ્વયંસેવકો દ્વારા દર્શન વ્યવસ્થાની સુગમતા માટે ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું. આ અન્નકૂટ મહોત્સવ સુરતના ભક્તોમાં શ્રદ્ધા, આનંદ અને નવી આશાની લાગણી જગાડતો એક સ્મરણિય પર્વ બની રહ્યો.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે