સુરત, 22 ઓક્ટોબર (હિ.સ.)-નૂતન વર્ષના અવસરે સુરત શહેર પોલીસ દ્વારા પરંપરાગત શુભેચ્છા કાર્યક્રમને એક અનોખા સંગીતમય રંગમાં રંગાયો. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના નિવાસસ્થાને યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓએ “હમ તો સાત રંગ હે, યે જહાં રંગી બનાયેંગે” ગીત ગાઈ સૌહાર્દપૂર્ણ રીતે નૂતન વર્ષની ઉજવણી કરી.
આ પ્રસંગે કમિશનર અનુપમ સિંહ ગહેલોત, જોઈન્ટ કમિશનર રાઘવેન્દ્ર વત્સ, રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને ડીસીપી કરણ રાજસિંહ વાઘેલા સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય રીતે કડક અને શિસ્તભરી છબી ધરાવતા અધિકારીઓએ આ રીતે ગીતગાન કરીને એક હળવાશભર્યું, પરંતુ પ્રેરણાદાયી માહોલ સર્જ્યો હતો.
ઉજવણી બાદ કમિશનર ગહેલોતે શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે સુરતમાંથી ડ્રગ્સના દૂષણને પૂરેપૂરું ઉખાડી ફેંકવા માટે મેગા ઓપરેશન શરૂ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પોલીસે કડક કાર્યવાહી માટે તૈયારીઓ શરૂ કરી છે.
કમિશનરે સ્પષ્ટ કહ્યું કે જે કોઈ તત્વો પ્રજાને હેરાન કરે છે અથવા ડ્રગ્સના જાળમાં શહેરને ફસાવે છે, તેમની સામે નિર્દય કાર્યવાહી થશે. “બહેન-દીકરીઓની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે,” એમ કમિશનરે જણાવ્યું હતું.
સાથે જ તેમણે એક માનવતાભર્યો સંદેશ આપ્યો — “સુરતમાં એવો માહોલ ઊભો કરાશે કે જ્યાં ફરિયાદી નિર્ભયતાથી પોલીસ સ્ટેશન આવી શકે. નાગરિકો ભય વગર પોતાની વાત કહી શકે, અને પોલીસ દરેકને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ રહેશે.”
આ રીતે સુરત પોલીસના નૂતન વર્ષની શરૂઆત સંગીત, સૌહાર્દ અને સંકલ્પના ત્રિવેણી સંગમથી થઈ — જેમાં આનંદ સાથે કડક કાર્યવાહીનો સંદેશ પણ સ્પષ્ટપણે જોવા મળ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે