મહેસાણા, 22 ઓક્ટોબર (હિ. સ.) દિવાળીના તહેવારના દિવસે મહેસાણા જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાને કોલમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં જ્યાં રોડ અકસ્માતના આશરે 17 કોલ મળતા હોય છે, ત્યાં દિવાળીના દિવસે 29 કોલ નોંધાયા હતા. એ ઉપરાંત મારામારીના 12 કેસ સામે આવ્યા, જ્યારે સામાન્ય દિવસોમાં આ આંકડો માત્ર 5 જેટલો હોય છે. જિલ્લામાં દાઝી જવાના 2 કેસ પણ નોંધાયા હતા, અને આગામી દિવસોમાં આ આંકડો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.દિવાળીના રોજ કુલ 102 જેટલા કેસો 108 ઇમરજન્સી ટીમ સુધી પહોંચ્યા હતા, જે સામાન્ય દિવસોની તુલનામાં 10.79 ટકા જેટલો વધારો દર્શાવે છે. મુખ્યત્વે રોડ અકસ્માત, શારીરિક હુમલા, પડી જવાના અને દાઝવાના કેસો નોંધાયા છે.આ વધારાને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લામાં 43 જેટલી 108 એમ્બ્યુલન્સ અને આશરે 120 જેટલા કર્મચારીઓ ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સમાં દવાનો વધારાનો જથ્થો પણ ફાળવી દેવાયો છે જેથી તાત્કાલિક સારવારમાં કોઈ વિક્ષેપ ન થાય. દિવાળીના તહેવાર દરમિયાન લોકોના આરોગ્ય અને સલામતી માટે 108 ટીમ સંપૂર્ણ સજ્જ છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR