ગીર સોમનાથ, 22 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજા નું આજે તેમના મતવિસ્તારમાં આગમન થયું હતું, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પ્રથમ ટર્મમાં જ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને કેબિનેટ મંત્રી બનનાર ડૉ. વાજાને આવકારવા માટે કોડીનાર શહેર ઉમટી પડ્યું હતું.
મંત્રીના સ્વાગત માટે શહેરના મુખ્ય માર્ગો પર એક વિશાળ બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો અને સમર્થકો ભાજપના ઝંડા સાથે આ રેલીમાં જોડાયા હતા. રેલીના માર્ગ પર ઠેર ઠેર લોકોએ મંત્રીનું અભિવાદન કર્યું હતું.
બાઇક રેલી પૂર્ણ થયા બાદ કોડીનારના માર્કેટિંગ યાર્ડ ખાતે એક ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીનું સન્માન કરી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ડૉ. પ્રદ્યુમન વાજાએ પોતાના સંબોધનમાં કોડીનારના મતદારો અને સમગ્ર જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જનતાએ મૂકેલો વિશ્વાસ અને પ્રેમ જ તેમને સેવા કરવા માટે પ્રેરણા આપે છે. મંત્રીએ કોડીનારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ