મહેસાણા, 22 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં સ્થિત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ યુનિવર્સિટી દ્વારા દિવાળીના પાવન અવસર પર “દિવાળી ડોનેશન અને પ્લાસ્ટિક મુક્ત સમાજ” માટે વિશાળ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. કડી અને ગાંધીનગર કેમ્પસમાંથી મળીને કુલ 23,617 ઉપયોગી વસ્તુઓ એકત્રીત કરી જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી હતી.
આ માનવતાભરી પહેલમાં કુલ 77 સ્થળો — શાળાઓ, કોલેજો, હોસ્ટેલો, સ્ટેશનરી અને કેન્ટીન સહિત — પરથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા કપડાં, રમકડાં, પુસ્તકો, મીઠાઈ, ગાદલા, રજાઈ, શુઝ તથા સ્ટેશનરી જેવી અનેક વસ્તુઓનું દાન આપવામાં આવ્યું. આ કામગીરીમાં સર્વ નેતૃત્વ (SN), NSS, NCC, લક્ષ્ય સેલ, વુમન ડેવલપમેન્ટ સેલ અને અન્ય વિભાગોના સ્વયંસેવકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી દર વર્ષે યોજાતી આ ડ્રાઇવનો હેતુ યુવાનોમાં દાનની ભાવના, પર્યાવરણ જાગૃતિ અને સામાજિક જવાબદારીનું બોધન કરવાનું છે. કડી વિસ્તારમાં યોજાયેલી આ ડોનેશન ડ્રાઇવ યુવાપેઢી માટે સમાજપ્રેમ અને સેવા ભાવનાનું જીવંત ઉદાહરણ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR