મહેસાણા, 22 ઓક્ટોબર (હિ.સ.) દિવાળીના પર્વને લઈ યાત્રિકોની વધતી અવરજવર વચ્ચે મહેસાણા રેલવે સ્ટેશન પર સુરક્ષા તંત્ર સતર્ક બન્યું છે. રેલવેમાં મુસાફરોની ભીડ અને પરિવહનના દબાણને ધ્યાનમાં રાખીને GRP (ગુજરાત રેલવે પોલીસ) અને RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા ‘ઓપરેશન સતર્ક’ અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ અને ચીજવસ્તુઓની તપાસ સાથે પૂછપરછ કરવામાં આવી હતી. સુરક્ષા દળો દ્વારા ટ્રેનોની અંદર, પ્લેટફોર્મ પર અને સ્ટેશનના આસપાસના વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી. સદભાગ્યે, ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક અથવા શંકાસ્પદ બાબત સામે આવી નથી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેખરેખ વધુ કડક બનાવવામાં આવી છે.સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, દિવાળીના દિવસોમાં નાગરિકોની સુરક્ષા અને સરકારી મિલકતોની રક્ષા એ મુખ્ય ધ્યેય છે. આ માટે GRP અને RPFની ટીમો ખડેપગે રહી 24 કલાક પેટ્રોલિંગ કરી રહી છે. રેલવેમાં મુસાફરી કરતા નાગરિકોને પણ સતર્ક રહેવા અને શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR