વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શનાર્થે, ભક્તોનો માનવ મહેરામણ
વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે,શ્રદ્ધાળુઓએ વર્ષના પ્રથમ દિવસે દર્શન કરી ધન્યતા અનુભવી
સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોનો માનવ મહેરામણ


સોમનાથ 22 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે, વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રથમ દિવસે, ભક્તોનો અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યો હતો. નવા વર્ષના મંગલ પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શન અને પ્રાતઃ આરતીનો લાભ લેવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને શિવજીને શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.

સોમનાથ મહાદેવને શાંતિના પ્રદાતા અને કલ્યાણના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. આ શુભ દિને ભક્તોએ વ્યક્તિગત સુખ-સમૃદ્ધિની સાથે સાથે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખની પ્રાર્થના કરી હતી. વર્ષના પ્રથમ શૃંગાર અને પ્રાતઃ આરતીના દિવ્ય દર્શન કરીને શ્રદ્ધાળુઓએ આવનારું વર્ષ શાંતિ, પ્રગતિ, સુખાકારી અને નિરામય આયુષ્ય લઈને આવે તેવી કામના કરી હતી.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે દિવ્યાંગો, વૃદ્ધો અને અશક્ત દર્શનાર્થીઓને સુચારુ દર્શનનો લાભ મળી રહે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી હતી. ટ્રસ્ટના આ વ્યવસ્થાપનને કારણે દિવ્યાંગોના મુખ પર સંતોષનું સ્મિત જોવા મળ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande