ભાવનગર, 22 ઓકટોબર (હિ.સ.) : કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર ખાતે પોતાના મતવિસ્તારમાં આસામ રાયફલના જવાન રાહુલ ગોહિલના પરિવારના સભ્યોનું મ્હો મીઠું કરાવી દિવાળી પર્વની ઉજવણી કરી. આજે ભાવનગર ખાતે પોતાના મતવિસ્તારમાં દીપાવલી પર્વે દરવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર પશ્ચિમ વિધાનસભાના વડવા-બ વોર્ડમાં આસામ રાયફલ ગોરખા કમાન્ડોમાં ફરજ બજાવતા બહાદુર જવાન રાહુલ રમેશભાઈ ગોહિલના ઘેર જઈ તેમના પરિવારના સભ્યોનું મ્હો મીઠું કરાવી દિવાળી પર્વની ઉજવણી કરી હતી. મંત્રીએ દીપાવલીના તહેવારની ખુશી જવાન પરિવારો સાથે વહેંચી તેમની આનંદની પળોમાં સહભાગી બન્યા હતા.
મંત્રીએ જણાવ્યું કે, સરહદ પર જવાનો કરે છે આપણા દેશની રખેવાળી, એટલે આપણે સૌ સુખ- શાંતિ અને આનંદ- ઉલ્લાસથી દિવાળી ઊજવી શકીએ છીએ. રાષ્ટ્ર માટે જ ન્યોછાવર થઈ જવું એવી વતન પરસ્તીથી સેવારત વીર સૈનિકોના સાહસ અને શૌર્ય પ્રત્યે સૌ દેશવાસીઓને ગૌરવ છે, ત્યારે દિવાળી પર્વે વીર પ્રહરીઓનાં પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરીને આનંદની અનુભૂતિ થાય છે તેમ તેમણે જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ