મહેસાણા, 22 ઓક્ટોબર (હિ.સ.) વિસનગર શહેરમાં દિવાળીના દિવસે એક વૃદ્ધ દંપતીને સાધુવેશમાં આવેલા બે શખ્સોએ વિશ્વાસમાં લઈ ₹2.65 લાખના સોનાના દાગીનાની છેતરપિંડી કરી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કાંસા એન.એ. વિસ્તારની સૂર્યોદય સોસાયટીમાં રહેતા પટેલ નટવરભાઈ સોમાભાઈ (62) અને તેમની પત્ની મીનાબેન એક્ટિવા પર વડનગર જઈ રહ્યા હતા.માહિતી મુજબ, ગુંજા હાઈવે પર એક અલ્ટો કારમાં બેઠેલા બે વ્યક્તિઓએ દંપતીને હાથ બતાવી રોક્યા હતા. ગાડીમાં એક વ્યક્તિ સાધુવેશમાં નગ્ન અવસ્થામાં અને બીજો ડ્રાઈવર બેઠો હતો. તેમણે દંપતી સાથે ધર્મ સંબંધિત વાતો કરી વિશ્વાસ જીત્યો અને 'ભગવાન તમારું સારું કરશે' કહી સોનાનો દોરો અને વીંટી માંગી લીધી, જે નટવરભાઈએ પોતે કાઢીને આપી દીધી હતી.થોડા સમય બાદ દંપતીને છેતરાયા હોવાનો અહેસાસ થતા તેમણે તાત્કાલિક વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે અને નજીકના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR