
પાટણ, 24 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામે 27 લેઉવા પાટીદાર સમાજ પ્રેરિત વિજ્યા લક્ષ્મી કેર ફાઉન્ડેશન દ્વારા ‘હાલો ભેરુ ગામડે–2025’ નામે બે દિવસીય સમર કેમ્પનું આયોજન થયું હતું. ‘હાલો ભેરુ આપણા મલકમાં’ થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 5 થી 12ના 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેમ્પનો મુખ્ય હેતુ યુવા પેઢીને ગામડાંની મૂળ સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલી સાથે પરિચિત કરાવવાનો હતો.
આ ત્રીજો સમર કેમ્પ હતો. પ્રથમ કેમ્પ સમી તાલુકાના રવદ ગામે અને બીજો કેમ્પ હારીજ તાલુકાના જૂનામાંકા ખાતે યોજાયો હતો. આ વર્ષે કુકરાણા ગામમાં યોજાયેલા કેમ્પનું લોકાર્પણ પૂજ્ય નરહરિદાસ બાપુ, રોનક પટેલ, દાતા જે.એમ. પટેલ (નિવૃત્ત DYSP), રત્નાભાઈ પટેલ, દેવેન પટેલ, એડવોકેટ ડૉ. શૈલેષ આર. પટેલ, લક્ષ્મીબા મફતલાલ મોતીરામ ભાથી પરિવાર અને 27 સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમ્યાન રસ્સાખેંચ, કબડ્ડી, ખો-ખો, ગરગડી, ધજારોપ, લંગડી, લખોટી, ખારોપાટ અને સતોડિયું જેવી પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ જૂના જમાનાના ખેતીના ઓજારો અને ચીજવસ્તુઓનું પ્રદર્શન ગોઠવાયું હતું, જે ગામડાની સંસ્કૃતિનું પ્રતિબિંબ રજૂ કરે છે. સાંસ્કૃતિક ગરબા, પ્રભાત ફેરી અને સામાજિક વક્તા મનીષ વઘાસીયાનું પ્રેરણાદાયી વક્તવ્ય પણ કાર્યક્રમની વિશેષતા રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ