
જુનાગઢ, 30 ઓક્ટોબર (હિ.સ.) : આવતીકાલ ૩૧ ઓક્ટોબર અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. ત્યારે સરદાર સાહેબનું જૂનાગઢ સાથેનું જોડાણ સ્મરણીય અને પ્રેરણા આપનારું છે.
જૂનાગઢના નવાબે આઝાદી વખતે જુનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરતા આરઝી હુકુમતની લડત થઈ હતી અને લોકશક્તિનો વિજય થયો એમાં સરદાર સાહેબનું યોગદાન અને માર્ગદર્શન મહત્વનું હતું. ત્રણ મહિના સુધી ચાલેલી આરઝી હકુમતની લડતમાં સરદાર વલ્લભભાઈનું પણ યોગદાન હતું. નવમી નવેમ્બરે જુનાગઢ આઝાદ થઈ ગયું હતું. ૧૨ મી નવેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢ આવ્યા હતા અને જૂનાગઢની ઐતિહાસિક બહાઉદીન કોલેજમાં તેઓએ સભા કરી હતી.
આ ઐતિહાસિક સભા જૂનાગઢની આરઝી હકુમતની લડાઈમાં યાદગાર છે. આ સભામાં તેઓએ કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદનો ઉલ્લેખ કરી અખંડ ભારતની સંકલ્પના સાકાર કરી હતી. જૂનાગઢની સભા બાદ ૧૩ નવેમ્બરે તેઓ સોમનાથ ગયા જ્યાં તેમણે સોમનાથ મંદિરના નિર્માણનો સંકલ્પ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ