
ભરૂચ 30 ઓક્ટોબર (હિ.સ.) શ્રીમદ્દ ભાગવત કથા મંડપમ વાલિયા તીર્થમાં અને દેશ વિદેશમાં ટીવી ચેનલોના માધ્યમથી કથા શ્રવણ કરી રહેલા સુજ્ઞ શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ અને શ્રી ગુરુદેવ દત્ત કહ્યા હતા. શ્રીમદ્દ ભાગવત કથાના છઠ્ઠા દિવસની ભાગવત યાત્રામાં શ્રી રંગ જયંતીના પાવન દિવસે દત્ત આશ્રમ ઉછાલી અને દત્ત આશ્રમ કોસંબા દ્વારા રમેશભાઈ ઓઝાનુ અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રવચન પૂર્વે ભાગવત કથાની પૂર્વ તૈયારી રૂપે છેલ્લા ત્રણ માસથી કામ કરી રહેલા યુવા સ્વયંસેવકોને સન્માનિત કરી આશીર્વાદ આપ્યા હતા. કથા મંડપમાં બેઠેલા સુજ્ઞ શ્રોતાઓએ પણ તેમને તાળીઓથી વધાવી લીધા હતા.
કથા પ્રસંગોની સાથે સાથે ગંગાસતીએ પાનબાઈને આપેલા ઉપદેશાત્મક ભજન *મેરુ તો ડગે પણ જેના મનના ડગે* નો વિસ્તાર કર્યો હતો. સાથે જ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, ક્રિષ્ના ક્રિષ્ના હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે. મંત્ર ના 16 શબ્દો અને 32 અક્ષરોની સમજ આપી હતી.મનુષ્ય જીવનને સાર્થક કરવા માટે આપણને મળેલા સમયનો સદુપયોગ પ્રભુ ભક્તિમાં કે સેવામાં કરવો જોઈએ એમ સમજાવતા મનુષ્યને પ્રતિદિન મળતા 21,600 શ્વાસોના ઉપયોગ અને તેના મૂલ્યની વાતો સમજાવી હતી.
ભાગવત કથાના સપ્તાહ દરમિયાન ગુજરાતના પ્રસિદ્ધ સંત શ્રી જલારામ બાપા અને પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજની 128મી જન્મ જયંતીનું સ્મરણ કરી આ ધરતી પરના આવા સંતો જ આપણું બાવડું જાલીને, આપણને ભવસાગર પાર કરાવે છે.પરમેશ્વર ધરતી પર વારંવાર અવતાર લઈ શકતા નથી, તેથી સંતો ભગવાનના પ્રતિનિધિ તરીકે આપણને આધ્યાત્મિક પ્રગતિનું માર્ગદર્શન કરી રહ્યા છે. સંતો અને સદગુરુ સૃષ્ટિ બદલતા નથી તે આપણી દ્રષ્ટિને બદલે છે. આપણા ચર્મચક્ષુ અને આંતર ચક્ષુને યોગ્ય દર્શન દિશા આપે છે.
*બડે ભાગ મનુષ્ય તન પાવા*
આપણે ભાગ્યશાળી છે, આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. આપણું શરીર પરમેશ્વર પ્રાપ્તિનું સાધન છે. શ્રેષ્ઠ મનુષ્યની પરમેશ્વરને પણ જરૂર પડે છે, તેમ કહી દધીચિનું ઉદાહરણ આપ્યું હતું.
આજના કથા પ્રસંગમાં ડોંગરેજી મહારાજનો ઉલ્લેખ કરી તેમના ઉપદેશાત્મક વાક્યોની ચર્ચા કરી હતી.પરમેશ્વરના રૂપ અને સ્વરૂપની સમજ આપતા જણાવ્યું કે શરીર અને સૃષ્ટિનું રૂપ બદલાતું રહે છે, પરંતુ તેનું મૂળ સ્વરૂપ ક્યારે પણ બદલાતું નથી. રૂપના દર્શન માટે *આંખ* જોઈએ અને સ્વરૂપના દર્શન માટે *દ્રષ્ટિ* જોઈએ. યોગ્ય દર્શન અને યોગ્ય *દ્રષ્ટિ* સદગુરુ અને પરમેશ્વરની પ્રાપ્તિ કરાવે છે. એટલે જ ભજનમાં કહ્યું છે *આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું* આંખ ઉઘાડવાનો અર્થ અહીં આત્મજ્ઞાનનો છે.
શ્રી કૃષ્ણ લીલા વર્ણવતા શ્રીકૃષ્ણએ જન્મતાની સાથે જ પૂતના અને તાડના જેવી રાક્ષસ રૂપ અવિદ્યાઓનો નાશ કર્યો કારણ કે આત્મજ્ઞાન અને પરમેશ્વરની પ્રાપ્તિમાં તે અવરોધક છે. આવી તાડના અને પૂતનાઓ જ આસુરી વૃત્તિ અને આફતોની જન્મદાતા છે.શ્રીમદ ભાગવત કથાનું તત્વજ્ઞાન સમજાવતા કામ, ક્રોધ, લોભ, મધ, મદસર આપણા દુશ્મનો છે. આપણે પણ તેની સામે લડવાનું છે. મન ,બુદ્ધિ અને ઇન્દ્રિયો ઉપર પણ વિજય મેળવવાનો છે. દેહ અભિમાન વધવાના કારણે સત્તા સુર બન્યા છે. એટલે કે ભોગવૃત્તિ વધી છે. અને તેથી ભોગવાદ પણ વધ્યો છે. હકીકતમાં તો ભોગને ભોગવવામાં આપણે જ પોતે ભોગવાઇ રહ્યા છીએ. અને તેના કારણે આપણું આયુષ્ય પણ ઘટી રહ્યું છે. આ બાબતે સાવધાન રહેવા જણાવ્યું હતું.
કથાના અંત ભાગમાં શ્રીકૃષ્ણના સૂક્ષ્મ અને વિરાટ સ્વરૂપની સમજ આપી શ્રીમદ્દ ભાગવત જેવા ગ્રંથોમાં જુદા જુદા સંબોધનોને ઉચ્ચ શિક્ષણના સંશોધનાત્મક (પી.એચ.ડી) જેવા અભ્યાસનું ક્ષેત્ર બનાવવા અને તેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવા જણાવ્યું હતું.આજની કથામાં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનું નાટ્યાત્મક રૂપાંતર કરવામાં આવ્યું હતું અને મહાઆરતી સાથે આજની કથાને વિરામ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ