
ભાવનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં બે દિવસ અગાઉ પરિમલ વિસ્તારમાં બનેલી મારામારીની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. આ બનાવમાં ચારથી પાંચ લોકોએ ભેગા મળી એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. ઘટના બાદ પાલીતાણા પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને ગણતરીની કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું હતું.આજ રોજ પોલીસ દ્વારા આ સમગ્ર બનાવનું રી-કન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળ પર જઈ આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમની વિગતવાર માહિતી મેળવી હતી. આરોપીઓએ કેવી રીતે હુમલો કર્યો, કયા કારણસર ઝઘડો થયો અને ઘટનાનો સમય શું હતો તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી. રી-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે સાક્ષી અને પુરાવા એકત્રિત કરવા માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.પાલીતાણા પોલીસ દ્વારા જણાવાયું છે કે આવા ગુનાખોર તત્વોને કોઈપણ રીતે છોડવામાં નહીં આવે. શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાને જાળવવા માટે કડક પગલાં લેવામાં આવશે. આ કાર્યવાહી બાદ સ્થાનિક નાગરિકોમાં પણ પોલીસે લીધેલા ઝડપી પગલાંને લઈને સંતોષ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai