

મહેસાણા, 24 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા ખાતે ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા અદભુત અને શૌર્યમય એર શો યોજાયો હતો. નવ હોક વિમાનો દ્વારા ડાયમંડ ફોર્મેશન, તેજસની આકૃતિ સહિતના દિલધડક સ્ટંટ રજૂ કરતા મહેસાણાનું આકાશ તિરંગાના રંગોથી ઝગમગી ઉઠ્યું હતું.
એર શોને નિહાળવા માટે શહેરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મહેસાણાના વિવિધ વિસ્તારોમાં હજારો લોકો તેમના મકાન અને ઈમારતોના ધાબા (ટેરેસ) પર ચઢીને આ રોમાંચક એર શો નિહાળતા જોવા મળ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો, બિલ્ડિંગોના છાપરા અને ઊંચી ઈમારતો પરથી લોકોએ તિરંગા લહેરાવી દેશભક્તિના ઉલ્લાસ સાથે વિમાનોના કરતબોને વધાવી લીધા હતા. ધાબાઓ પર લોકોના ટોળા ઉમટી પડતા મહેસાણાનું દૃશ્ય જીવંત રાષ્ટ્રપ્રેમથી ભરાઈ ગયું હતું.
આ પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વાયુસેના, જળસેના અને થલસેનાનું શૌર્ય સમગ્ર વિશ્વમાં ગૌરવ લેવા જેવું છે. સાંસદ હરિભાઈ પટેલે પણ આ શોને રાષ્ટ્રપ્રેમનું પ્રતીક ગણાવી નવા ભારતના નિર્માણ તરફનું પ્રેરક કદમ ગણાવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, અધિકારીઓ તથા નાગરિકોએ ઉપસ્થિતિ દર્શાવી રાષ્ટ્રગૌરવનો અહેસાસ કર્યો હતો.
હિંદુસ્થાન સમાચાર/ રિંકુ અમિતકુમાર ઠાકોર
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ