
અમરેલી, 25 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી નજીક આવેલ શાણા વાંકિયા ગામમાં આજે વહેલી સવારે અડધા ડઝન સિંહો ઘૂસી આવ્યા હતા. દિવાળીના તહેવારના દિવસોમાં શિકારની શોધમાં 6 સિંહોનો ટોળો ગામની શેરીમાં પ્રવેશી ગયો હતો. આ દૃશ્ય જોઈ ગ્રામજનોમાં એક તરફ ભયનો માહોલ જોવા મળ્યો તો બીજી તરફ સૌમાં કુદરતી અદભુત દૃશ્યનો આનંદ પણ અનુભવાયો.
સ્થાનિક લોકો મુજબ, સિંહો શિસ્તપૂર્વક લાઇનમાં ચાલતા ગામની શેરીમાંથી પસાર થયા હતા. ગામમાં તે સમયે શાંતિપૂર્ણ વાતાવરણ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના બાદ ગ્રામજનો દ્વારા આ દૃશ્યનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરાયો, જે હાલ વાયરલ થઈ રહ્યો છે.
વન વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર પહોંચીને સિંહોના હલનચલન પર નજર રાખી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, સિંહો નજીકના જંગલ વિસ્તારમાંથી ખોરાકની શોધમાં ગામ સુધી પહોંચી ગયા હતા.
આવી ઘટનાઓ જાફરાબાદ અને કોડીનાર વિસ્તારના ગામોમાં વારંવાર બનતી હોવાથી વન વિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai