




મહેસાણા, 25 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામે દિવાળી વેકેશન દરમિયાન પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા અનોખો “હાલો ભેરુ ગામડે” વિન્ટર કેમ્પ યોજાયો. આ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ શહેરમાં રહેતા બાળકોને ગામડાની સંસ્કૃતિ, પરંપરા, ખેતી અને જીવનશૈલી સાથે જોડવાનું હતું. છેલ્લા ચાર વર્ષથી ચાલતી આ પહેલ વર્ષે વર્ષે વિસ્તરી રહી છે અને આ વર્ષે આશરે 700 બાળકો જોડાયા. વિશેષ એ છે કે સમગ્ર આયોજન સંપૂર્ણ રીતે નિ:શુલ્ક છે અને 250 સ્વયંસેવકો સેવામાં જોડાયા છે.
ત્રિદિવસીય કેમ્પમાં બાળકોને મોબાઈલથી દૂર રાખી, ડિજિટલ ડિટોક્સ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રભાતફેરીથી દિવસની શરૂઆત થાય છે અને પછી કઠપૂતળી ખેલ, અગરબત્તી, સાબુ અને ખાદીના કપડાં બનાવવાની પ્રાયોગિક શીખણીઓ તેમજ રમતો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. દરેક 25 બાળકોની ટીમ માટે 5 સ્વયંસેવકો સેવા આપે છે, જ્યારે 15 ટીમ માટે એક કન્વીનર નિમણૂક છે.
બાળકો ગામના અલગ અલગ ઘરોમાં રોકાયા છે, જ્યાં રાત્રે ભાખરી, મિક્સ શાક, સુખડી, દૂધ-છાશ જેવી સમાન મેનુ મળે છે. 108 ઇમર્જન્સી મેડિકલ ટીમ સતત હાજર રહીને સલામતી સુનિશ્ચિત કરે છે.
આ વિન્ટર કેમ્પ માત્ર શૈક્ષણિક કાર્યક્રમ નહીં, પણ ગામડાની સંસ્કૃતિ જીવંત રાખનારો અને જીવનમૂલ્યો—સહકાર, શિસ્ત, સ્વચ્છતા અને સંસ્કાર—શીખવવાનો પ્રેરણાદાયી પ્રયાસ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR