સુરતમાં બાળકોની હાજરીમાં પતિએ ત્રિપલ તલાક આપ્યો, કાયદાની કાર્યવાહી શરૂ
સુરત, 25 ઓક્ટોબર (હિ.સ.)- સુરત શહેરમાં એક ગંભીર કાયદા ભંગનો કેસ સામે આવ્યો છે, જ્યાં પતિએ પોતાની પત્નીને તેના જ બે સંતાનોની નજર સામે ત્રિપલ તલાક આપી દીધો. મહિલા પર માનસિક અને શારીરિક ત્રાસના આરોપ સાથે, મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પતિ આસિફ મહેબુબ મિયા
સુરતમાં બાળકોની હાજરીમાં પતિએ ત્રિપલ તલાક આપ્યો, કાયદાની કાર્યવાહી શરૂ


સુરત, 25 ઓક્ટોબર (હિ.સ.)- સુરત શહેરમાં એક ગંભીર કાયદા ભંગનો કેસ સામે આવ્યો છે, જ્યાં પતિએ પોતાની પત્નીને તેના જ બે સંતાનોની નજર સામે ત્રિપલ તલાક આપી દીધો. મહિલા પર માનસિક અને શારીરિક ત્રાસના આરોપ સાથે, મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પતિ આસિફ મહેબુબ મિયાં શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી મહિલાની જાણમાં આવ્યા મુજબ, તેમના લગ્નને લગભગ 20 વર્ષ થઈ ગયા હતા. પરંતુ થોડા સમય પહેલાં જ તેણીને ખબર પડી કે તેના પતિને બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધો છે. પત્નીએ પ્રશ્ન કર્યા ત્યારે પતિએ જબરદસ્તી અને માનસિક ત્રાસ શરૂ કરી દીધો.

આ ઘટનામાં 24 ઓક્ટોબર, 2024ના રોજ જ્યારે પુત્રને જમવાનો સામાન માંગતા પતિ ગુસ્સે થયો અને પુત્રને માર મારવા લાગ્યો. માતાએ વચ્ચે પડવાની કોશિશ કરી તો પતિએ તેણીને પણ માર માર્યો. જોકે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પતિએ પુત્ર અને પુત્રીની હાજરીમાં ઊંચા અવાજે ત્રણ વખત તલાક બોલી દીધા:

મેં તેરે કો તલાક દેતા હું, તલાક, તલાક, તલાક!

પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-85, 351(2) તેમજ મુસ્લિમ મહિલા અધિનિયમ-2019ની કલમ 3 અને 4 હેઠળ ગુનો નોંધ્યો છે. ત્રિપલ તલાક આપવાનો આ કૃત્ય ગેરકાયદેસર ગણાય છે અને આવા કિસ્સામાં ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

બાળકોની હાજરીમાં ત્રિપલ તલાક આપનાર પતિની ધરપકડની કાર્યવાહી તાત્કાલિક શરૂ થઈ છે. મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ આવા કિસ્સામાં આરોપીને જામીન મળવું મુશ્કેલ રહે છે. આ ઘટના ફરી એકવાર મહિલા સુરક્ષા અને કાયદાના અમલની મહત્વની ચર્ચા ઊભી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande