

વડોદરા, 25 ઓક્ટોબર (હિ.સ.) : વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળિયા ગામની ધર્મિષ્ઠાબેન વનરાજસિંહ ચૌહાણે “ધરતી સખી મંડળ”ના સહકારથી ગીર ગાયના ઘી, દૂધ અને છાશનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભરતાની નવી ઓળખ ઉભી કરી છે. તેમની ગૌશાળામાં હાલ 150 ગીર ગાયો છે, જ્યાંથી દરરોજ 110 લિટર દૂધ અને 30 લિટર છાશ વેચાય છે. શુદ્ધ ગીર ગાયના ઘી માટે વડોદરા શહેરભરમાં વિશેષ માંગ ઊભી થઈ છે.
આ વ્યવસાય દ્વારા ધર્મિષ્ઠાબેન દર વર્ષે આશરે ₹30 થી ₹35 લાખની આવક મેળવી રહી છે. તેમના ઉત્પાદનો શીપાક એફ.પી.ઓ. મારફતે વડોદરા એ.પી.એમ.સી.માં વેચાય છે અને ગ્રાહકો તેમના ઘી-દૂધની શુદ્ધતા પર વિશ્વાસ રાખે છે.
ધર્મિષ્ઠાબેન માત્ર ગૌઉદ્યોગ પૂરતા સીમિત નથી — તેઓ પ્રાકૃતિક ખેતી પણ કરે છે જેમાં જીરું, ધાણા, મરચાં, હળદર, નાગલી અને શાકભાજીનું ઉત્પાદન થાય છે. તેમની આ પહેલ આજના ગામડાની મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
ગૌમાતા પ્રત્યેનો પ્રેમ અને અવિરત મહેનતના બળે ધર્મિષ્ઠાબેને સાબિત કર્યું છે કે આત્મવિશ્વાસથી ગામડાની સ્ત્રી પણ લાખોની કમાણી કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR