
જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં જાહેરમાં ચાલીને જતા પ્રૌઢ દ્વારા પોતાની પૌત્રીની ઉંમરની બાળકી સાથે બિભત્સ ચેનચાળા કરવામાં આવ્યા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બનાવના ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. જેને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
સોશિયલ મીડિયામાં ફરતા સીસીટીવી ફૂટેજમાં દેખાઈ છે તે પ્રમાણે માર્ગ ઉપર ચાલીને જતા એક ભિક્ષુક જેવા દેખાતા પ્રૌઢ રસ્તા ઉપર રમતી એક બાળકી પાસે પહોંચે છે અને તેની સાથે થોડીક વાતો કર્યા બાદ તેને ગાલ ઉપર ચુંબન કરવા લાગે છે. ત્યારબાદ ત્યાંથી આગળ નીકળી એક દુકાન પાસે બેસે છે. જ્યાં બાળકીને ફરી પોતાની પાસે બોલાવે છે.
બાળકી તેની પાસે જતા જ તેને હાથ પકડી પોતાના ખોળામાં બેસાડી લે છે અને વિચિત્ર ચેનચાળા કરવા લાગે છે. જેને જોતા તેની સાથે રહેલો બાળક તે બાળકીનો હાથ પકડીને ખેંચવાનો પ્રયાસ કરે છે પણ પ્રૌઢ તેને છૂટવા દેતા નથી, જેના લીધે બાળકી પણ બૂમાબૂમ કરવા લાગે છે. દરમિયાન એક યુવક ત્યાં આવી જાય છે અને તે બાળકીને પ્રૌઢ પાસેથી આંચકી લે છે. આ વાયરલ વીડિયો જોનારા સૌ કોઈ પ્રૌઢ ઉપર આ હરકત માટે ફિટકાર વરસાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt