


રેલ્વે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો
મહેસાણા, 25 ઓક્ટોબર (હિ.સ.) : ઊંઝા અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સવારના શાંત માહોલ પછી આકાશમાં અચાનક ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ મેઘરાજાએ ધડાકાભેર એન્ટ્રી લીધી હતી. આ અણધાર્યા વરસાદથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડકનો અહેસાસ તો થયો, પરંતુ ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે.
હાલમાં ખેતરોમાં મગફળી, તલ, અને જીરાં જેવા પાક ઊભા છે, જે વરસાદી ભેજથી ખરાબ થવાની શક્યતા છે. ઘણા ખેડૂતોનું કહેવું છે કે વરસાદ વધુ સમય સુધી ચાલુ રહ્યો તો પાકને નુકસાન થઈ શકે છે અને ઉપજમાં ઘટાડો જોવા મળી શકે છે.
વરસાદના કારણે ઊંઝા શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને શહેરના મુખ્ય રેલ્વે અંડરપાસમાં પાણીનો મોટા પ્રમાણમાં ભરાવો થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સવારના ઑફિસ સમય દરમિયાન અનેક વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક મ્યુનિસિપલ તંત્ર દ્વારા પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં પરિસ્થિતિ સામાન્ય થવામાં સમય લાગી રહ્યો છે. વરસાદ બાદ શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા, જેના કારણે લોકોના ઘરોની બહાર કાદવ અને પાણીના ખાડાઓ સર્જાયા છે.
હવામાન વિભાગ મુજબ, આગામી 24 કલાક દરમિયાન આ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા યથાવત છે. ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાઈ ન રહે તે માટે જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR