

મહેસાણા, 25 ઓક્ટોબર (હિ.સ.) : વિજાપુર તાલુકાના ખણુસા ગામના રાજનગર વિસ્તારમાંથી 80 યુવાનો કચ્છ સ્થિત કુળદેવી માતા આશાપુરાના દર્શન માટે પ્રથમવાર સાયકલ યાત્રાની શરૂઆત કરી છે. આ અનોખી યાત્રાનું આયોજન આશાપૂરા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જે યુવાનોમાં ધાર્મિક ભાવના અને શારીરિક સજ્જતા બંને પ્રદર્શિત કરે છે.
યાત્રાની શરૂઆત સાથે જ ગ્રામજનો અને આગેવાનો દ્વારા યાત્રીઓને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પિલવાઈ ગામે કનકસિંહ વિહોલ અને સરપંચ મહેન્દ્રસિંહ વિહોલ દ્વારા યાત્રીઓને ઉષ્માભર્યું સ્વાગત આપવામાં આવ્યું, જેનાથી યુવાનોના મનોબળમાં વધારો થયો. ખણુસા ડેલીગેટ મનુજી ચાવડા, પૂર્વ જિલ્લા સભ્ય કનકસિંહ વિહોલ તથા રાજનગરના અગ્રણીઓએ લીલી ઝંડી બતાવી યાત્રાને વિદાય આપી.
આ સાયકલ યાત્રા માત્ર ધાર્મિક ભાવના પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ યુવાનોમાં સાહસિકતા, એકતા અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ પણ પહોંચાડી રહી છે. યાત્રા ધીરેધીરે કચ્છ તરફ આગળ વધી રહી છે, જ્યાં તેઓ માતા આશાપુરાના આશીર્વાદ મેળવી યુવાનો માટે એક અનોખો પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR