
પાટણ, 26 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં સરપંચની ચૂંટણીની અદાવતને પગલે થયેલા ગંભીર હુમલાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં ચાર નામજોગ અને એક અજાણ્યા સહિત કુલ પાંચ ઇસમો વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવા અને ધમકી આપવા બદલ ગુનો દાખલ થયો છે. આ હુમલામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
સાંતલપુર ગામના 50 વર્ષીય મજૂર ઇસબભાઇ ઉર્ફે ઇકબાલભાઈ રાઉમાએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ પોતાના ભત્રીજા રિયાઝખાન સાથે ગાંધીધામ જવા માટે મોટરસાઇકલ પર સાંતલપુર રેલ્વે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. ત્યારે રેલ્વે સ્ટેશન રોડ પર બળુભા જાડેજાની ચાની હોટલ નજીક બોલેરો ગાડીમાં આવેલા મહેન્દ્રસિંહ જાડેજા, સતુભા જાડેજા, પ્રુથ્વીસિંહ જાડેજા, રાજુભા રાઠોડ અને એક અજાણ્યા ઇસમોએ તેમની મોટરસાઇકલ રોકી લીધી.
તે સમયે મહેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદીને સરપંચની ચૂંટણી દરમિયાન વિરોધી ઉમેદવારનો સમર્થન કેમ આપ્યું તે બાબતે ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો. ફરિયાદીએ વિરોધ કરતાં આરોપીઓએ લોખંડની પાઇપ અને લાકડીઓથી તેમની પર તૂટી પડ્યા. મહેન્દ્રસિંહ અને સતુભાએ લોખંડની પાઇપથી ડાબા હાથ અને જમણા પગે પ્રહાર કર્યો, જ્યારે અન્ય ત્રણ લોકોએ લાકડીઓથી માર માર્યો.
ફરિયાદીના ભત્રીજા રિયાઝખાને બચાવમાં આવતાં આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. હુમલામાં ઇસબભાઇના ડાબા હાથ, પગ અને ઘૂંટણના ભાગે ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ, જ્યારે રિયાઝખાનના ડાબા હાથની આંગળી ફ્રેક્ચર થઈ અને જમણા કાન પાસે ચાર ટાંકા લેવા પડ્યા.
હુમલા બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા. પોલીસે આ મામલે BNSSની કલમો 117(2), 118(1), 115(2), 189(2), 191(2), 191(3), 190, 296(b), 351(3) તથા ગુજરાત પોલીસ ઍક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ